(એજન્સી) પૂણે, તા.૧૦
મહારાષ્ટ્રના પૂણે-સતારા હાઇવે પર મંગળવારે વહેલી સવારે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ૧૮ લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં ૧૫ જેટલા લોકો ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ બહાર કાઢ્યા હતા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ઘાયલોમાં અનેક લોકોની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
મળી રહેલી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના પૂણે-સતારા હાઇવે પર મંગળવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક પૂરપાટ ઝડપે જઈ રહેલી આઈસર ટ્રકના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રેક બેરિકેડ સાથે અથડાઈ હતી. જેના કારણે ટ્રકમાં સવાર ૧૮ જેટલા મજૂરનાં મોત થયા હતા. સતારા એસપી સંદીપ પાટિલના જણાવ્યા પ્રમાણે ટ્રકમાં સવાર તમામ મજૂરો કર્ણાટકના બિજાપુરથી પૂણે જઈ રહ્યા હતા. મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ટ્રક ખંડાલા નજીક આવેલા ખંબાતકી ઘાટ પાસે પલટી ગઈ હતી.
નોંધનીય છે કે ખંડાલા ટનલ નજીક “જી” આકારનો રોડ છે. અહીં વાહન ચલાવવું ખૂબ જ જોખમી માનવામાં આવે છે. આ જ કારણે અહીં અવાર નવાર અકસ્માત થયા હોય છે. હાલ પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. પોલીસે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે કદાચ ઝોકું આવી જવાને કારણે ડ્રાઇવરે ટ્રક પરથી કાબૂ ગુમાવી દીધો હશે.