(સંવાદદાતા દ્વારા) મહુવા, તા.રપ
હાલ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં લોકડાઉનને પગલે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સાથે તેમાં ખાસ ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓ મીડિયાકર્મીઓ વગેરેને અમૂક છૂટછાટ પણ અપાઈ છે પણ મહુવામાં પી.આઈ.એ સત્તાના મદમાં ‘ગુજરાત ટુડે’ના પત્રકાર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે જે અત્યંત દુઃખજનક બાબત છે.પ્રાપ્ત માહિતી મુજબ મહુવામાં ‘ગુજરાત ટુડે’ના પત્રકાર ઈકબાલભાઈ રાઠૌડ રિપોર્ટિંગ કરી ઘર તરફ જતા હતા ત્યારે પીઆઈ મિશ્રાએ તેઓને બજારની વચ્ચે રોકી ટપાર્યા ત્યારબાદ ક્રોધિત થઈને કહ્યું કે, તમે મીડિયાવાળા હવે નીકળતા નહીં, નહીં તો તમારો વારો કાઢવો પડશે. આ પ્રકારનું ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. આમ દેશની ચોથી જાગીર સાથે આ પ્રકારનું વર્તન ખૂબ નિંદનીય છે હવે જોવાનું એ રહ્યું કે, ઉચ્ચ અધિકારીઓ આ બાબતે શું કાર્યવાહી કરશે ? અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના પોલીસવડા શ્રી શિવાનંદ ઝાએ જાહેરનામું બહાર પાડી જણાવ્યું હતું કે, પ્રેસ મીડિયા સાથે સંકળાયેલા લોકોને લોકડાઉનમાંથી મુક્તિ આપવાની રહેશે. જેથી પોલીસતંત્ર તેઓની સાથે સભ્યતાથી વર્તે પણ અહીં તો પી.આઈ. મિશ્રાએ ડીજીપીના જાહેરનામાને નેવે મૂકી પત્રકાર સાથે અસભ્ય વર્તન કર્યું છે.