(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
રાજસ્થાન સરકારના તમામ હોદ્દાઓ પરથી હટાવી દેવાયા બાદ સચિન પાયલટે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, ‘‘સત્યને દબાવી શકાય છે પરંતુ પરાજિત કરી શકાય નહીં. છેલ્લા બે દિવસમાં સચિન પાયલટે પ્રથમવાર ટિપ્પણી કરી છે. રવિવારે તેમણે જણાવ્યું હતું કે, કોઇ પોતાનું ઘર છોડવા માગતું નથી પરંતુ આ પ્રકારના અપમાન પછી યથાવત ના રહી શકાય. મારા ધારાસભ્યો અને સમર્થકોને ઘણું દુઃખ થયું છે અને મારે તેમના પર ધ્યાન આપવું પડશે. કોંગ્રેસ અને પાયલટે હવે સ્પષ્ટપણે પોતાના રસ્તા અલગ કરી લીધા છે. કોંગ્રેસે સત્તાવાર રીતે હવે તેમને બહારનો રસ્તો દેખાડી દીધો છે. હવે સચિન પાયલટ બુધવારે પત્રકાર પરિષદ કરશે અને પોતાની આગળની વ્યૂરચના જણાવી શકે છે. સચિન પાયલટને ઉપમુખ્યમંત્રી પદ તથા કોંગ્રેસના અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદ પણ કોંગ્રેસે તેમને ઘરમાં પરત ફરવાની અપીલ કરી હતી અને સંદેશ તથા ફોન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી મડાગાંઠ અંતે રાજ્યમાં સત્તા આંચકી લેવા સુધી પહોંચી ગઇ છે.