અમદાવાદ,તા. ૧૯
વિધાનસભા બજેટ સત્રના પહેલા દિવસે આજે કેટલીક નોંધનીય ઘટનાઓ પણ ઘટી હતી. જેમાં રાજયકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્ત સોલંકી ગૃહમાં પ્રવેશતી વખતે અચાનક જ લપસી પડયા હતા. જો કે, ત્યાં હાજર સાર્જન્ટ્‌સ સોલંકીને પડતા જોઇ તરત જ ત્યાં દોડી ગયા હતા અને તેમને સાચવીને ઉભા કર્યા હતા અને તેમને તેમની જગ્યા પર બેસાડયા હતા. પરસોત્તમ સોલંકી પડી ગયા તે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી. વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીની સર્વાનુમતે વરણી કરાઇ હતી. શાસકપક્ષના નેતા વિજય રૂપાણી અને સંસદીય બાબતોના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેેમ જ વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેમને અધ્યક્ષની ખુરશી સુધી દોરી ગયા હતા. એ સાથે જ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમનો અધ્યક્ષ તરીકેનો નવો હોદ્દો ગ્રહણ કર્યો હતો. નવા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને શાસકપક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ શુભેચ્છા પાઠવી હતી પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઇ વંશે અધ્યક્ષની ખુરશી તરફ અંગુલીનિર્દેશ કરતાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આ ખુરશીનો દૂરપયોગ થયો છે તેવા સંજોગોમાં પ્રજાસેવક તરીકે પ્રજાની વાચાનો યોગ્ય પ્રતિભાવ મળે તેવી અપેક્ષા છે. જો કે, નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યના આ વર્તન સામે વાંધો ઉઠાવ્યો હતો અને અધ્યક્ષપદની ખુરશીને લઇ આ ઉચ્ચારણો ગૃહના રેકર્ડ પરથી દૂર કરવા માંગ કરી હતી, જે ગ્રાહ્ય રાખી અધ્યક્ષે આ શબ્દો રેકર્ડ પરથી દૂર કર્યા હતા. દરમ્યાન વિધાનસભા ગૃહમાં આજે પ્રથમ દિવસે ત્રણ અગત્યના વિધેયક પસાર કરાયા હતા. જો કે, સત્રના આજના પહેલા દિવસે શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો આક્ષેપ-પ્રતિઆક્ષેપને લઇ સામસામે આવી ગયા હતા. જો કે, હોબાળા અને પ્રજાના પ્રશ્નોને લઇ વિપક્ષ કોંગ્રેસ આજે શાસક પક્ષ ભાજપ પર હાવી રહ્યું હતું.