બોડેલી, તા.૨૮
નસવાડી તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલું ગામ બુધા જુલધાણી ગામમાં આદિવાસી પરિવારો વર્ષોથી જંગલની જમીન ખેડતા આવ્યા છે. જેઓ મૂળ માલિક, મૂળ રહેવાસી આદિવાસી ખેડૂતો જંગલની જમીન ખેડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્રણ ખેડૂતો પાસે સરકાર તરફથી આપેલી સનદ (હક્ક) હોવા છતાં ઊભો પાક ઉખેડી વનવિભાગના અધિકારીઓએ તેમના ખેતરમાં રોપા રોપી દીધા છે. વન અધિકારી કાયદો ૨૦૦૬ મુજબ ગામના ખેડૂતોેએ પોતાની દાવા અરજીની ફાઈલ બનાવી સરકારને પરવાનગી માટે મૂકેલી છે. જેમાંથી થોડા ખેડૂતોની દાવા અરજી મંજૂર થવાથી સરકાર તરફથી સનદ પણ મળેલ છે. સનદ ધરાવતા ખેડૂતો (૧) ડુ.ભીલ નરસિંહ ભાઈ મુળજીભાઈ (૨) ડુ.ભીલ જેન્તીભાઈ મૂળજીભાઈ (૩) ડુ.ભીલ સેલિયા ભાઈ ઢેધિયા ભાઈએ પોતાના ખેતરમાં મકાઈ તુવેર અને કપાસનું વાવેતર કરેલ હતું. તા.૨૭/૦૭/૨૦૨૦ સોમવારના રોજ બપોરે ૨ઃ૦૦ વાગ્યાના અરસામાં ગઢ બોરિયાદ રેન્જ તથા નસવાડી રેન્જના ફોરેસ્ટ સ્ટાફ તથા મોટી સંખ્યામાં હથિયારધારી જી.ઇ.ઁ. જવાનો સાથે આવીને ત્રણે સનદ ધારી ખેડૂતોની જમીનમાંથી ઊભા પાકને ઉખેડી નાખીને રોપા રોપી દીધા છે. તેમને રોકવા જતાં ગામલોકોને બીભત્સ ગાળો આપી માર-મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ત્રણે ખેડૂતો પૈકી એક ખેડૂત શારીરિક રીતે દિવ્યાંગ તથા પથારીવશ રહેતા બીમાર ખેડૂત ડુ.ભીલ નરસિંહભાઈ મૂળજીભાઈને પણ ધાક ધમકી આપીને તથા તેમની પત્ની ઝીણકી બહેનને બંદૂકના કુંદાથી મોઢા પર માર મારતા દાંત પાડી નાખેલ છે. ગુજરાત સરકાર ગરીબ આદિવાસી ખેડૂતો માટે સંવેદના બતાવે અને જે અધિકારીઓ દોષિત હોય તેની સામે કડક હાથે કાર્યવાહી કરે તથા ખેડૂતોને વળતર ચૂકવે તેવી આદિવાસીઓની માંગ ઊઠી છે.