(એજન્સી) અગરતલા, તા.૫
નવા રાજ્યનાકેબીનેટમાં જો સન્માનજનક પદ નહીં મળે તો ત્રિપુરામાં ધ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા રાજ્ય સરકારમાં ન જોડાય તેવી શક્યતા સ્થાનિક પાર્ટીએ દર્શાવી છે. ઉત્તરપૂર્વના રાજ્યમાં ડાબેરીઓના ૨૫ વર્ષના શાસનનો ભાજપ અને આઇપીએફટીએ મળીને લાવ્યો છે. ભાજપ અને સ્થાનિક પાર્ટીએ અહીં મળીને ૪૩ બેઠકો જીતી હતી જ્યારે ડાબેરીઓને ૧૬ બેઠકો પ્રાપ્ત થઇ હતી. આઇપીએફટીના પ્રમુખ એનસી દેબ્બારમાએ જણાવ્યંુ હતું કે, જો તેમને મંત્રાલયમાં યોગ્ય હોદ્દા નહીં મળે તો પાર્ટી ભાજપને રાજ્યમાં બહારથી સમર્થન આપશે. જોેકે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, ભાજપે આઇપીએફટીને નાયબ મુખ્યમંત્રીના પદની ઓફર કરી છે. આઇપીએફટીએ સૌથી ચાવીરૂપ માગ એ કરી છે કે, મુખ્યમંત્રીનો ચહેરો આદિવાસી હોય, ઉપરાંત શહેરી વિકાસ, આદિવાસી કલ્યાણના કામો કરે અને સામાન્ય વહીવટ તથા જમીનના હોદ્દા મળવા જોઇએ. પક્ષે અલગ રાજ્યની માગ પણ ઉઠાવી હતી પરંતુ ભાજપે ચૂંટણી પહેલા જ આ માગને ફગાવવાનું ચાલુ રાખ્યું હતું.
ભાજપ અને સ્થાનિક પક્ષના ચૂંટાયેલા સભ્યોની બેઠક મંગળવારે મળશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આ બેઠકમાં ભાગ લેશે. ત્રિપુરાના ભાજપ અધ્યક્ષ બિપ્લબ કુમાર દેબે તાજેતરમાં જણાવ્યું હતું કે, તેઓ મુખ્યમંત્રીનો હોદ્દો સંભાળવા તૈયાર છે પરંતુ સંસદીય બોર્ડનો નિર્ણય આખરી ગણાશે. દેબે ત્રિપુરાના લોકોનો તેમને તથા નરેન્દ્ર મોદી અને અમિત શાહને સમર્થન બદલ આભાર માન્યો હતો. ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી માણિક સરકારે કહ્યું હતું કે, ભાજપે વિચાર્યું ન હોય તેવી જીત મેળવી છે અને અમે આવા પરિણામ માટે તૈયાર નહોતા. ચાર વખત મુખ્યમંત્રી બનેલા માણિક સરકારે ભાજપના વિજયને અવિશ્વસનીય ગણાવ્યો હતો. દરમિયાન ત્રિપુરામાં સપથવિધિ દરમિયાન વડાપ્રધાન મોદી અને અન્ય કેન્દ્રીય નેતાઓ હાજર રહે તેવી સંભાવના છે.