(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.ર૦
કોરોના મહામારીમાં રાધનપુર નગરમાં સફાઈ કામગીરીમાં બેદરકારી બદલ પાલિકાના ચીફ ઓફિસરે સેનેટરી ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યાનો હુકમ કર્યો હતો. જેમાં સેનેટરી ઈન્સ્પેક્ટર ખોટા સર્ટીફીકેટ આધારે પાલિકામાં ભરતી થયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વારંવાર વિવાદોમાં ઘેરાયેલા સેનેટરી ઈન્સ્પેક્ટર કર્યાના હુકમ બાદ પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.રાધનપુર નગરપાલિકામાં સેનેટરી ઈન્સ્પેક્ટર પ્રશાંત સોની સામે નગરપાલિકામાં સત્તાધારી બોડીના સદસ્યોની નારાજગી કેટલાય સમયથી ચાલતી હતી. ત્યારે રાધનપુર નગરમાં યોગ્ય સફાઈ કામગીરી કરવામાં ન આવતી હોવાને કારણે સેનેટરી ઈન્સ્પેક્ટર પ્રશાંત સોનીને તા.૧૯મી માર્ચ અને તા.ર૬મી માર્ચના રોજ ચીફ ઓફિસર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. બે-બે વખત નોટિસો આપવા છતાં નગરમાં સફાઈ બાબતે યોગ્ય કામગીરી કરવામાં આવી ન હતી અને નોટિસનો જવાબ ઉદ્ધતાઈભર્યો આપવામાં આવતા અંતે ચીફ ઓફિસરે સેનેટરી ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.