(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં પ્રતિષ્ઠિત પત્રકાર અને લેખક સબા નકવી કોવિડ-૧૯ના ફેલાવા માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવનારા લોકોને ઠપકો આપી રહ્યા છે. નકવીએ આ નફરત ફેલાવનારા લોકોને દવા બનાવનારી અગ્રણી કંપની સિપ્લાનો ઉદાહરણ આપ્યો હતો. જે આ જીવલેણ બીમારી માટેની દવાઓનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરી રહી છે. નકવીએ કહ્યું હતું કે, આ ફાર્મા કંપનીના માલિક યુસુફ ખ્વાજા હમીદ છે. નકવીએ આ પણ પડકાર આપ્યો હતો કે, કોવિડ-૧૯ માટેની દવા બનાવતી એક અન્ય અગ્રણી કંપની વોકહાર્ટના માલિક કોણ છે તેમણે આ મહામારી સામે લડવા માટે રૂા.૧૦૦૦ કરોડનું દાન આપનારા વિપ્રો કંપનીના ચેરમેન અઝીમ પ્રેમજીનો પણ ઉલ્લેખ કર્યો હતો. નકવી ‘શેડસ ઓફ સેફ્રોન’ નામના પુસ્તકની લેખિકા છે. જેમાં તેમણે ભાજપની રાજકીય યાત્રાનું વિશ્લેેષણ કર્યું છે.