(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા.૨૨
પ્રાંતિજ ખાતે દિવાળી બાદ અચાનક કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થયો છે. જેને પગલે પ્રાંતિજના વિવિધ વેપારી એસોસિએશનો દ્વારા બે દિવસ બંધનો નિર્ણય કર્યો હતો. આજે મેડિકલ સેવાઓ, દૂધ તથા શાકભાજીને બાદ કરતા બજારોએ સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યો હતો તો નગરપાલિકા દ્વારા બજાર વિસ્તારમાં સેનેટાઈઝરની કામગીરી કરવામાં આવી હતી. પ્રાંતિજ સહિત તાલુકામાં કોરોના પોઝિટિવ કેસોમાં પ્રતિદિન ધરખમ વધારો થઇ રહ્યો છે. સંક્રમણની ચેન તોડવા સ્વૈચ્છિક બંધ તથા જનતા કરફ્‌યુનો અમલ વિવિધ વેપારી એસો. દ્વારા કરાયો છે. આજે પ્રથમ દિવસે તમામ ધંધા-રોજગાર સ્વયંભૂ બંધ રહ્યા હતા તો પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડિયા, પાલિકાના કોર્પોરેટરો રાજેશભાઈ ટેકવાણી, મહેબૂબભાઇ બલોચ સહિત હાર્દિક બ્રહ્મભટ્ટ, મહેશભાઇ રાઠોડ વગેરેએ ખડેપગે રહી આજે બંધ રહેલ ભાખરિયા બસસ્ટેન્ડ વિસ્તારથી હનુમાન ચોક, સોનીવાડા નાકા, દેસાઇની પોળ, બજારચોક સહિતના તમામ વિસ્તારોમાં પ્રાંતિજ પાલિકા દ્વારા સેનેટાઈઝર કામગીરી કરવામાં આવી હતી.