(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૮
રાજ્યમાં છેલ્લા કટેલાક દિવસોથી જારી રહેલ સતત વરસાદને કારણે રસ્તાઓ તૂટી જતાં ભારે નુકસાન થવા સાથે માર્ગ-વ્યવહારને ફટકો પડ્યો છે. રાજ્યમાં આવા પપ૦૦ જેટલા રસ્તાઓનું ધોવાણ થતાં આશરે રૂા.૩પ૦થી ૪૦૦ કરોડ જેટલું નુકસાન થવા પામ્યું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈ ઊભા પાકોને તો નુકસાન પહોંચ્યું છે તેની સાથે-સાથે માર્ગોને પણ વધુ નુકસાન થયેલ છે. રાજ્યમાં માર્ગોના ધોવાણ મુદ્દે મહત્ત્વની રિવ્યૂ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં આગામી નવરાત્રિ અને દિવાળી સુધીમાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નુકસાન અંગેનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદના પરિણામે ૧૦૨૨ કિ.મી.ના રસ્તા તાત્કાલિક રિપેર કરવાના આદેશ થયા છે તો ૩૩૭૯ કિ.મી.ના રસ્તા પર મેટલ અને પેચવર્કની જરૂરિયાત છે.
નીતિન પટેલે કહ્યું કે, આ સિવાય કોન્ટ્રાક્ટરની જવાબદારીવાળા ૯૩૦૧ કિ.મી. રસ્તા વાહન ચલાવવા યોગ્ય રહ્યા નથી. જેને ટૂંક સમયમાં મોટરેબલ કરી દેવામાં આવશે. વરસાદ બંધ થતાની સાથે જ સમગ્ર રાજ્યમાં રસ્તાનું કામ યુદ્ધના ધોરણે હાથ પર લેવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી મુજબ, આ માટે ભારત સરકાર દ્વારા જીડ્ઢઇહ્લ (સ્ટેટ ડિઝાસ્ટર રિસપોન્સ ફંડ) અને રાજ્ય સરકારનું પોતાનું એમ બંને ફડં એકત્રિત કરીને ૩૦ જેટલા નેશનલ હાઈ-વેને મેઈન્ટેન્સ સ્થિતિમાં લાવવાની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રીએ રોડ-રસ્તાના કામમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે રાજ્યના ચીફ એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ઓફિસમાં વહીવટી કામકાજ કરવાને બદલે તમામને ફિલ્ડવર્કમાં જવા આદેશ કર્યો છે. તેમજ શુક્રવાર, શનિવાર અને રવિવાર આ ત્રણ દિવસ જિલ્લામાં ચાલતા કામકાજની મુલાકાત લઈને કામનું ચેકિંગ કરવામાં આવશે. રાજ્યમાં ચાલતા રોડ-રસ્તાના કામકાજને લઈ નીતિન પટેલ દર ૧૫ દિવસે રિવ્યૂ બેઠક કરશે. જેમાં બધા એન્જિનિયરો જેમને જે જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે તે તમામે કામનો પ્રગતિ અહેવાલ આપી રોડ-રસ્તાના કામની સમીક્ષા કરવાની રહેશે.
કોઈપણ પક્ષના ધારાસભ્ય હોય તેઓ દ્વારા તેમના વિસ્તારમાં ચાલી રહેલા રોડ-રસ્તાના કામ અંગે નિયમિત માહિતી લેવામાં આવશે. કોઈપણ પક્ષના ધારાસભ્ય તેમના વિસ્તારના રોડ-રસ્તાના કામોને લઈ પ્રગતિ અને જરૂરિયાત અંગે રજૂઆતો કરી શકશે. જેનું નાયબ મુખ્યમંત્રી કચેરી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.