ભાવનગર,તા.૭
ઉબેદ શેખ અને સમદ અરબ વચ્ચેની ગેંગવોરમાં થયેલી હત્યા કેસમાં આજે ભાવનગરના પાંચમાં એડિશનલ સેશન્સ જજ એમ.જે. પરાસરની અદાલતમાં કેસ ચાલી જતાં આ કેસમાં મહત્વના સાક્ષીઓ હોસ્ટાઈલ થતા અને પુરાવાના અભાવે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી અત્રેની અદાલતે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.
આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ ઈસુબભાઈ અબેદભાઈ બાનફા અરબના મોટાભાઈ ફિરોજ ઉર્ફે ફિરૂ અરબનું મર્ડર ઉબેદ અ.કરીમ શેખ (ઈન્ડિયા ટ્રાવેલ્સ) વાલા તથા તેના સગાસંબંધીઓએ હત્યા કરી હતી. આ અંગે ફરિયાદી તથા તેના ભાઈઓને અને આરોપી વચ્ચે વેરઝેર ચાલતું હોય તેની દાઝ રાખી આરોપીઓએ ફરિયાદીના નાનાભાઈ અ. સમદબીન અબેદભાઈ બાનફા અરબની ચાર-પાંચ દિવસ સુધી રેકી કરીને ગત તા.ર૬-૭-ર૦૧૪ના રોજ રાત્રીના સુમારે ચેતન ઉર્ફે સુર્યાએ પિસ્તોલ વડે આડેધડ પાંચ-છ રાઉન્ડ ફાયરિંગ કરી શરીરે ગંભીર ઈજા કરી સમદ આરબનું મોત નીપજાવી આરોપી નાસી ગયા હતા.
આ અંગેનો કેસ આજ રોજ ભાવનગરના પાંચમા એડિશનલ સેશન્સ જજ એમ.જે. પરાસરની અદાલતમાં ચાલી જતાં અદાલતે બન્ને પક્ષની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાનમાં રાખી અને હત્યા કેસમાં મહત્વના સાક્ષીઓ હોસ્ટાઈલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પુરાવાના અભાવે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો છે.