હિંમતનગર, તા.રર
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના ર૦થી વધુ ગામોના ખેડૂતોએ કેનાલના પાણીથી મગફળી ઉગાડી દીધી છે. પરંતુ તે પછી સમયસર વરસાદ ન થવાને કારણે અંદાજે ૩૦૦ વીઘામાં વાવેતર કરાયેલી મગફળીનો પાક ઉગતાની સાથે જ મૂરઝાઈ ગયો છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય સ્થળેે ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, શણ તથા ઈકેરો પણ મૂરઝાઈ જતાં ખેડૂતોએ બોરકૂવાના પાણી મૂકવાનું શરૂ કરી દીધું છે. જો આગામી દિવસોમાં હજુ પણ વરસાદ ખેંચાશે તો ચોમાસુ પાકનું વાવેતર મોડું થશે તથા ડાંગરના પાક પર હાલ તો પ્રશ્નાર્થ મૂકાઈ ગયો છે. આ વર્ષે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢોડા, હડિયોલ, પુરાલ, બેરણા, કાંકણોલ સહિતના ર૦ ગામોની જમીનને હાથમતી કેનાલનું પાણી સિંચાઈ વિભાગ દ્વારા આપવામાં આવ્યું હતું, જેથી આ ગામના ખેડૂતોએ મગફળીના વાવેતર માટે જમીનનું ગાળવણ કરીને મોંઘાભાવનું બિયારણ ખરીદીને દવાનો પટ આપી વાવેતર કર્યું હતું. ત્યારબાદ ખેડૂતોએ હોંશભેર આંતરખેડ કરીને મગફળીમાંથી નકામુ ઘાસ બહાર કાઢીને નિંદામળનું કામ પણ આટોપી લીધું છે. બીજી તરફ અષાઢ મહિનો શરૂ થવા છતાં વરસાદનું આગમન થયું નથી દરમિયાન સોમવારે આકાશમાં વાદળો બંધાયા છે અને વાતાવરણમાં બાફ અને ઉકળાટ અસહ્ય અનુભવાઈ રહ્યો છે તો બીજી તરફ દિવસે આકરો તાપ પડવાને કારણે મગફળીના પાકમાં ખેડૂતોએ કરેલી આંતરખેડને કારણે પોચી પડેલી માટી ઝડપતથી ભેજ છોડી રહી છે જેના લીધે તેની સીધી અસર મગફળીના છોડ ઉપર પડી રહી છે અને દસ વાગતાની સાથે જ મગફળીના છોડ કરમાઈ જાય છે અને તેના કારણે કેટલાક છોડના થડમાં કાળા રંગની ફૂગનો ઉપદ્રવ થવાની શક્યતા વધી ગઈ છે. બીજી તરફ પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી સહિતના અન્ય સ્થળે આગોતર કપાસનું વાવેતર કરેલ ખેડૂતોએ બોરકૂવાના પાણી પિયત માટે શરૂ કરી દીધા છે. પરંતુ વાતાવરણમાં ઠંડક ન હોવાથી અનેક છોડ પીળા પડી જાય છે અને તેનો વિકાસ પણ ધીમો થઈ જાય છે તથા પાકને બચાવવા માટે ખેડૂતોને અત્યારથી જ મોંઘાભાવની રાસાયણિક દવાઓ છાંટવાનો વખત આવી જાય છે. એક તરફ હવામાન વિભાગ ઉત્તર ગુજરાત સહિત અન્ય સ્થળે પાંચ દિવસની ભારે વરસાદની આગાહી કરી રહ્યું છે પરંતુ સોમવારનું વાતાવરણ જોતા સાબરકાંઠા જિલ્લામાં જલ્દી વરસાદ પડે તેવા કોઈ ચિન્હો દેખાતા નથી.