અમદાવાદ, તા.૨૫
કોરોનાની બીમારીનો કોઈ ચોક્કસ ઈલાજ ન હોવા છતાં આ મહામારીને નાથવા સમગ્ર સરકારી તંત્ર કટિબદ્ધ થઈને કાર્ય કરી રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક પદ્ધતિથી ઈલાજ કરવા નિયામક આયુષની કચેરી ગાંધીનગરએ કોરોનાના લક્ષણ ન ધરાવતા હોય તેવા કોવિડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલ ખાતે સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓનો આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર શરૂ કર્યો છે. આયુષ નિયામક વૈધ ભવના પટેલે જણાવ્યું છે કે, આયુર્વેદિક પદ્ધતિના ઉપચારને વૈશ્વિક માન્યતા મળી છે તથા વાયરસ જન્ય રોગોમાં પ્રિવેન્શન કામગીરીમાં પણ સારા પરિણામ મળી રહ્યા છે, ત્યારે લક્ષણ ન ધરાવતા કોરોના પોઝિટિવમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ એટલું જ જરૂરી છે, ત્યારે અમદાવાદ શહેરની કોવિડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલમાં કોરોનાના લક્ષણ ન ધરાવતા પરંતુ પોઝિટિવ દર્દી તરીકે સારવાર લઈ રહેલા વ્યક્તિઓને આજથી આયુર્વેદિક પદ્ધતિથી પણ ઉપચાર શરૂ કરાયો છે. જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારી અમદાવાદ વૈધ હેમંત જોશીના નેતૃત્વમાં બે મેડિકલ ઓફિસર આયુર્વેદ (એમડી કાય ચિકિત્સા) તથા પાંચ પીજી સ્કોલર સ્ટુડન્ટની ટીમ દ્વારા પ્રાથમિક ધોરણે ઉક્ત કામગીરી ચાલુ કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમના ફેસબૂક પેજ પર ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ કારગત સાબિત થઈ રહી હોવાનું જણાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે, કોરોના સંક્રમણથી બચવા અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઘરગથ્થુ ઉપચારો તથા આયુર્વેદ અને હોમિયોપેથી દવાઓને વધુમાં વધુ નાગરિકો પ્રાથમિકતા આપી રહ્યા છે. કોરોના સંક્રમણથી બચવા રોગ પ્રતિકારક શક્તિ વધારવી એ જ ઉત્તમ ઔષધ અને શ્રેષ્ઠ ઉપચાર છે.