(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨
રાજ્યના ચાર મોટા શહેરોમાં સાયબર ક્રાઈમના ગુના વધ્યા છે. રાજ્યના ચાર મોટા શહેરોમાં માત્ર બે વર્ષમાં ૭પ૧ સાયબર ક્રાઈમના કેસ નોંધાયા છે. જો કે, ઓનલાઈન ઠગાઈનો ભોગ ગરીબ અને સામાન્ય મધ્યમ વર્ગના લોકો બને છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં પોલીસ દ્વારા ફરિયાદ લેવાતી જ નથી. સંત મોરારીબાપુ સહિતની અનેક હસ્તીઓ બળાત્કારની ઘટનાઓનો વ્યાપક વિરોધ કરી રહ્યા છે, ત્યારે સમાજને લાંછનરૂપ એવી બળાત્કારની ઘટનાઓ પર અંકુશ મેળવવા પોર્ન વેબસાઈટોને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવી જોઈએ. એમ વિધાનસભામાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં સાયબર ક્રાઈમના પ્રશ્ન મુદ્દે ગ્યાસુદ્દીન શેખએ જણાવ્યું હતું કે, આધુનિક વ્યવસ્થાનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યા છે. ખાસ કરીને ગરીબ અને સામાન્ય મધ્યમ વર્ગના નાગરિકો ઓનલાઈન થતી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. રાજ્યમાં ઓનલાઈન ઠગાઇના કિસ્સા વધી રહ્યા છે. વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સાઇબર ક્રાઇમના ૭૫૧ કેસ નોંધાયા છે. ૨૦૧૮ની સરખામણીએ ૨૦૧૯માં સાયબર ક્રાઇમના કેસ વધ્યા છે. ૨૦૧૮માં ૩૫૦ કેસ હતા. તે વધીને ૨૦૧૯માં ૪૦૧ થઈ ગયા છે. આ કેસ તો માત્ર મોટા શહેરોના છે, ગામડાના કેસ તો વધુ હશે. સૌથી મહત્વની વાત એ છે કે, શહેરોના ભણેલા લોકો ઓનલાઈન ઠગાઈનો ભોગ બની રહ્યા છે. બે વર્ષમાં ૭૫૧ કેસ થયા છે જે પૈકી ૩૬૫ કેસમાં જ ચાર્જશીટ થઈ શકી છે. કુલ કેસ સામે માત્ર ૪૮.૬૦ ટકા કેસમાં ચાર્જશીટ થઈ છે, જે પોલીસની કાર્યવાહીમાં નિરસતા દેખાડે છે. પોલીસ ફરિયાદ લેતી નથી. ૧ લાખની ઓનલાઈન ઠગાઇ થઈ તો તાકીદે ફરિયાદ થાય અને કાર્યવાહી પણ થાય છે પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ખાતામાંથી ૧ હજાર રૂપિયા ઉપડી જાય અને તે ફરિયાદ કરવા જાય તો ફરિયાદ લેવાય છે કે નહીં ? મોટા ભાગના કિસ્સાઓમાં પોલીસ દ્વારા ફરિયાદ લેવાતી નથી. પેટીએમ કે અન્ય ઈ-વોલેટમાં ટ્રાન્સફર થતાં રૂપિયા અમુક ગણતરીના કલાકોમાં પોલીસને જાણ કરો તો પરત મળી શકે છે. પણ મોટાભાગના કિસ્સામાં લોકો સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરી શકે તેવી વ્યવસ્થા નથી. હાલમાં કોઈ એવી ફુલપ્રૂફ વ્યવસ્થા નથી.. કોઈ વ્યક્તિ સાથે ઓનલાઈન ઠગાઇ થાય તો તે ૧૦૦ નંબર ડાયલ કરે તો પોલીસ સાયબર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવા કહે છે.. પીડિત ત્યાં પહોંચે તે પહેલાં તો કલાકનો સમય વીતી જાય છે જેથી રૂપિયા પરત મળી શકતા નથી. હાલમાં અમદાવાદ સહિત ચાર શહેરોમાં જ સાયબર ક્રાઈમની તપાસ કરવાની વ્યવસ્થા છે. આખા ઉત્તર ગુજરાતની ફરિયાદો તપાસવા માટે માત્ર અમદાવાદમાં એક સાયબર ક્રાઇમની કચેરી છે. સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો, જેની સાથોસાથ ક્રાઈમ પણ વધ્યા પણ તેની સામે પૂરતી વ્યવસ્થા ઉભી થઇ નથી. કોઈના એકાઉન્ટમાંથી ઓનલાઈન રૂપિયા ઉપડી જાય તો પોલીસ માત્ર અરજી લેશે, ફરિયાદ નોંધશે નહીં.

દરેક પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ સેલ ઊભા કરવા માંગ

કોઈ વ્યક્તિ ટિ્‌વટર ઉપર કોઈ IAS ઓફિસર કે નેતાના નામનું એકાઉન્ટ બનાવી બેફામ ગાળો કે કાયદાનો ભંગ કરે અને પીડિત પોલીસ ફરિયાદ કરવા પહોંચે તો પોલીસે એકાઉન્ટ વેરીફાઈવ કરતા મહિનાઓ લાગી જાય આ કેવી લાચારી છે. મોબાઈલ કંપનીઓ શું તાકીદે માહિતી આપતી નથી ? જો ન આપે તો સરકારે આવી મોબાઈલ કંપનીઓ સામે શું કાર્યવાહી કરી ? ગ્યાસુદ્દીન શેખે સાયબર ક્રાઈમને ડામવા માટે સરકાર સમક્ષ માંગણી કરતાં જણાવ્યું હતું કે, ઓનલાઈન થતી છેતરપીંડી અંગે પ્રચાર માધ્યમો દ્વારા લોકજાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ. સાયબર ક્રાઈમ અંગેની ફરિયાદ ઝડપથી દાખલ કરવા દરેક પોલીસ સ્ટેશનમાં સ્પેશ્યલ સેલ ઉભા કરવા જોઈએ. પોલીસ અધિકારીઓને સાયબર ક્રાઈમ વિશે વિશેષ ટ્રેઈનીંગ આપવી જોઈએ.