અમદાવાદ, તા.૯
આધુનિક સમાજ વ્યવસ્થા કોણ જાણે કેવા રસ્તે આગળ વધી રહી છે. માનવીય સંબંધોની મર્યાદાને શરમમાં મૂકે એવા કિસ્સા સતત પ્રકાશમાં આવી રહ્યા છે. અમદાવાદમાં જમાઈએ સાસુને ગડદાપાટુનો માર મારી ધમકી આપ્યાનો બનાવ હજુ તો ચર્ચામાં છે ત્યાં જ સગી ભાભીએ સગીર વયની નણંદને રૂપિયાની લાલચમાં દેહ વિક્રયના ધંધામાં ધકેલી દીધી હતી. બે હજાર રૂપિયાની લાલચમાં સગીર વયની નણંદને વાસના ભૂખ્યા હેવાનને સોંપી દેવામાં આવતી હતી. હાલ તો આ કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગત જોઈએ તો અમદાવાદ શહેરના વટવા જીઆઇડીસી વિસ્તારમાં રૂપિયા માટે ભાભીએ સગીર નણંદને ગોરખધંધામાં ધકેલવાનો પ્રયાસ કર્યો છે. ભાઈના ઘરે રોકાવવા માટે આવેલ બહેનને ભાભીએ બહેનપણી મારફતે બે અલગ અલગ પુરુષ સાથે મોકલી આપીને જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી. જેના બદલામાં તેણે રૂપિયા પણ લીધા હતા. જોકે આ બાબતની જાણ પોલીસને કરતા પોલીસે ચાર આરોપીઓ વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. વટવા જીઆઇડીસી વિસ્તારમાં રહેતી એક સગીરા કેટલાક દિવસ અગાઉ તેના ભાઈને ત્યાં રોકાવવા માટે ગઈ હતી. દોઢેક મહિના સુધી ત્યાં રોકાયા બાદ સગીરા તેના ઘરે પરત ફરી હતી. જોકે બાદમાં ગણપતિ મહોત્સવ વખતે તે ફરીથી તેના આ ભાઈને ત્યાં રોકાવવા માટે ગઈ હતી. સગીરાએ તેના બીજા ભાઈને જાણ કરી હતી કે જ્યારે તે ભાઈને ત્યાં રોકાવવા માટે ગઈ હતી ત્યારે ભાભીએ તેને તેની બહેનપણીની સાથે મોકલી આપી હતી. જે પહેલા આ સગીરાને તેના ઘરે લઈ ગઈ હતી અને બાદમાં નવરંગપુરામાં આવેલ હોટલ ક્રિસ્ટલ પર લઈ ગઈ હતી. જ્યાં રૂપિયા બે હજાર લઈને સગીરાને દરિયાપુરના એક યુવક સાથે હોટલમાં મોકલી આપી હતી. આરોપી યુવકે સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ ઘરે પરત આવી હતી. બાદમાં સગીરાના ભાભીના કહેવાથી સગીરાને ઈસનપુર લઈ ગયા હતા. જ્યાં પણ અન્ય એક યુવક પાસેથી રૂપિયા બે હજાર લઈને સગીરાને યુવકના ઘરે બીજા રૂમમાં મોકલી આપી હતી. જ્યાં તેની સાથે આરોપી યુવકે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં તેને ઘરે લઈ જવામાં આવી હતી અને આં બાબતની જાણ કોઈને ના કરવા માટે કહ્યું હતું. જો કે સગીરાએ સમગ્ર ઘટનાની જાણ તેના બીજા ભાઈને કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.