(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૩
વિકાસની અદ્યતન ટેકનોલોજીવાળી ર૧મી સદીમાં સમગ્ર દેશમાં વિકાસ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર હોવાનો દાવો કરતી ભાજપ સરકાર દરેક ક્ષેત્રે નંબર વનની વાતો કરી પોતાની સિદ્ધિઓ વર્ણવતી રહે છે ત્યારે રાજ્યની ખરી સ્થિતિ જુદી જ હોવાની વિગતો બહાર આવતા આશ્ચર્ય થાય છે. વિકાસમાં અગ્રેસર ગુજરાતમાં ૩૧.૪૬ લાખથી વધુ પરિવારો એટલે કે રાજ્યના ચોથા ભાગના નાગરિકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. એટલું જ નહીં સરકાર દ્વારા રાજ્યને સમૃદ્ધ બનાવવાના મોટાપાયે પગલાં લેવાયાની ગુલબાંગો વચ્ચે છેલ્લા બે વર્ષમાં જ ૧૯ હજાર જેટલા પરિવારોનો ગરીબીમાં ઉમેરો થવા પામ્યો છે. વિકાસમાં નંબર વનની રાજ્ય સરકારની ગુલબાંગોની સામે ખરી હકીકત વર્ણવતી આંકડાકીય વિગતો મુજબ રાજ્યમાં કુલ ૩૧,૪૬,૪૧૩ પરિવારો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. આ પરિવારોમાં ૪થી પાંચ સભ્યો (નાગરિકો) ગણવામાં આવે તો ૧ કરોડ પ૭ લાખ ૩ર હજાર જેટલા નાગરિકો રાજ્યમાં ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. એટલે કે રાજ્યની કુલ વસ્તીના ચોથા ભાગના નાગરિકો ગરીબ છે. એટલું જ નહીં રાજ્યમાં સરકાર દ્વારા નવી-નવી યોજનાઓ ઉદ્યોગો રોજગારીની તકો સહિતના પગલાંઓ આયોજનો થકી ગુજરાતને સુખી-સમૃદ્ધ વિકાસમાં નંબરવનની વાતો કરાઈ રહી છે ત્યારે આ છેલ્લા બે વર્ષમાં જ રાજ્ય ગરીબ પરિવારોમાં ૧૮૯૩ર ગરીબ પરિવારોનો વધારો થવા પામ્યો છે. જેમાં અમરેલી જિલ્લાના સૌથી વધુ ૪ર૪૮ પરિવારોનો ગરીબીમાં ઉમેરો થવા પામ્યો છે. સમૃદ્ધ ગણાતાં ગુજરાતમાં ગરીબીની અને એ પણ મોટા પ્રમાણમાં ગરીબો હોવાની વાત ચોંકાવનારી છે. ત્યારે સરકારી આંકડાઓમાં જ એ તથ્ય બહાર આવ્યું છે કે ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં ગરીબો રહે છે. આજે વિધાનસભાના બજેટ સત્રમાં આ માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો વિશેના પ્રશ્નના જવાબમાં સરકારી આંકડા એ જ રાજ્યની સ્થિતિની પોલ ખોલી નાંખી છે. અમદાવાદમાં ૧ લાખ ૪૪ હજાર ૯૯ અને ગાંધીનગરમાં ૪૪ હજાર અને પ૩પ લોકો ગરીબી રેખા નીચે જીવે છે. તો છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં ૪૩૭ બીપીએલ પરિવારો વધવા પામ્યા છે તો ગાંધીનગરમાં આવા ૭ પરિવારો વધવા પામ્યા છે. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો સુરતમાં ૧ લાખ ૧૪ હજાર પ૮૩ પરિવારો ગરીબી રેખા હેઠળ જીવે છે. નવસારી ૬૯ હજાર ૯૯૪ બીપીએલ પરિવારો નોંધાયા છે. સુરત જિલ્લામાં માત્ર એક બીપીએલ પરિવારનો જ્યારે નવસારીમાં ૪૧ર૦ બીપીએલ પરિવારોનો વધારો થયો છે. રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં ર લાખ ૩૬ હજાર ૪૯ર પરિવારો અને મહેસાણામાં ૧ લાખ ૬ હજાર ૩૮૧ બીપીએલ પરિવારો નોંધાયા છે. ગત બે વર્ષમાં બનાસકાંઠામાં પ૧ર અને મહેસાણામાં ૪૯ બીપીએલ કાર્ડધારકોનો વધારો થવા પામ્યો હતો.