(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૭
ગુજરાતની ભાજપ સરકાર દરેક ક્ષેત્રના વિકાસની મોટી-મોટી વાતો કરતી રહે છે, ત્યારે સરકારના કમાઉ નવરત્ન સાહસો પૈકીના એક જીએમડીસી (ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિ.)ના વિકાસમાં બ્રેક પડ્યો હોય તેમ તેનો વાર્ષિક નફામાં મોટાપાયે ઘટાડો થવા પામ્યો છે, તો તેની સાથે-સાથે લિગ્નાઈટ, બોક્સાઈટનું ઉત્પાદન થર્મલ પાવર સ્ટેશન ખાતે વીજ ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાવવા પામ્યો હોવાની વિગતો બહાર આવી છે, જેને પરિણામે નિગમ દ્વારા ર૦૧૭-૧૮ના વર્ષ કરતા ર૦૧૮-૧૯માં ૭પ ટકા જેટલું ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના જાહેર સાહસો એવા બોર્ડ નિગમો પૈકી નવરત્ન સાહસો સરકારને સારી એવી આવક કરી આપે છે. જેમાંનું એક જીએમડીસી જે ખનિજ નિગમ તરીકે ઓળખાય છે, તેનો વાર્ષિક અહેવાલમાં ઉત્પાદન ઘટવા સાથે નફામાં મોટા પાયે ઘટાડો બહાર આવ્યો છે. નિગમના વર્ષ ર૦૧૮-૧૯ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા અનુસાર ર૦૧૭-૧૮ કરતા નિગમના નફામાં ૬પ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ર૦૧૭-૧૮માં કરવેરા પછીનો ચોખ્ખો નફો રૂા.૪ર૮ કરોડ હતો, તેની સામે ર૦૧૮-૧૯માં રૂા.૧૩૮ કરોડ જ થવા પામ્યો હતો તો કરવેરા પહેલાંના નફામાં પણ આ જ સ્થિતિ રહી હતી. ૨૦૧૭-૧૮માં તે રૂા.૫૫૦ કરોડ હતો, જે ૨૦૧૮-૧૯માં ઘટીને રૂા.૩૦૭ કરોડ થયો હતો. બીજી તરફ આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ૨૦૧૭-૧૮માં રૂા.૨૧૮૯ કરોડની આવક હતી, તે ઘટીને ૨૦૧૮-૧૯માં રૂા.૨૦૨૨ કરોડ થઈ હતી. કરવેરા પછીનો સમાવેશ આવકમાં પણ ખાસ્સો ઘટાડો નોંધાયો હતો, જે અગાઉના રૂા.૫૪૧ કરોડથી ઘટીને માત્ર રૂા.૧૮૯ કરોડ જ રહી હતી. આ સ્થિતિને કારણે ૨૦૧૭-૧૮માં નિગમે ૧૭૫ ટકા ડિવિડન્ડ આપ્યું હતું, તે ૨૦૧૮-૧૯માં ઘટીને માત્ર ૧૦૦ ટકા જ ડિવિડન્ડ આપી શકાયું હતું.
નિગમ મોટાભાગે ખનિજ ઉત્પાદન સાથે વેચાણની કામગીરી કરતું હોય છે, ત્યારે ર૦૧૮-૧૯માં લિગ્નાઈટ અને બોક્સાઈટના ઉત્પાદનમાં પણ ઘટાડો થવા પામ્યો હતો. ર૦૧૭-૧૮માં લિગ્નાઈટનું ૧૦૬ લાખ મે.ટનના ઉત્પાદન સામે ર૦૧૮-૧૯માં ૯૧.૯૦ લાખ મે.ટન જ ઉત્પાદન થઈ શકયું હતું. નિગમની લિગ્નાઈટની યોજનાઓ પૈકી ભાવનગર, પાનેન્ધ્રો (કચ્છ), રાજપારડી (ભરૂચ), માતાનો ગઢ (કચ્છ), ઉમરસર (કચ્છ) વગેરેમાં ખાસ્સું એવું લિગ્નાઈટનું ઉત્પાદન ઘટ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે, જ્યારે દેવભૂમિ દ્વારકાની મેવાસા ખાતેની બોક્સાઈટ યોજના ખાતે અગાઉના ૦.૭૩ લાખ મે.ટન બોક્સાઈટના ઉત્પાદન સામે ર૦૧૮-૧૯માં ૦.૪ર લાખ મે.ટન ઉત્પાદન થયું હતું, જ્યારે કચ્છ જિલ્લામાં નાનીછેટ ખાતેની અક્રી મોટા વિદ્યુત યોજના (થર્મલ પાવર સ્ટેશન) ખાતે વીજ ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો હતો. અગાઉના વર્ષે ૧૩૬૦ એમયુ વીજ-ઉત્પાદન સામે ર૦૧૮-૧૯માં ૧૧૮૭ એમયુનું જ વીજ ઉત્પાદન થઈ શકયું છે. ખનિજ નિગમનો વર્ષ ર૦૧૮-૧૯નો વાર્ષિક અહેવાલ વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ થતા આ બહાર આવેલી વિગતો પરથી નિગમની કામગીરી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

નૈની કોલ કંપની આખરે બંધ કરવી પડી : મંજૂરીમાં વર્ષથી વધુ સમય !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૭
ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિ. (જીએમડીસી) હેઠળના અન્ય કેટલાક સાહસોની પણ સ્થિતિ કંઈક એવી જ જોવા મળતાં બંધ કરવાની ફરજ પડી છે. જેમાં નૈની કોલ કંપની લિમિટેડ કોલ બ્લોકની ફાળવણીને મુદ્દે બંધ કરવાની ફરજ પડી છે તો આ બંધ કરવાનો નિર્ણય કરવામાં પણ સરકારને એક વર્ષ કરતાં વધુ સમય લાગ્યો છે.
જીએમડીસી દ્વારા શરૂ કરાયેલ નૈની કોલ કંપની લિ. અને પોંડિચેરી ઈન્ડસ્ટ્રીયલ પ્રમોશન ડેવલપમેન્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પો.લિ. સાથે સંયુક્ત રીતે નૈની કોલ બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો ધીમો વિકાસ થવાથી તથા કોલ ફાળવણી ભાજપની જ કેન્દ્ર સરકારે રદ કરી દેતા આખરે આ કંપની બંધ કરવાનું નિગમે નક્કી કર્યું હતું. જે અંગે સરકારની આખરી મંજૂરી માટે લેવાની હોઈ આ પ્રક્રિયામાં એક વર્ષ કરતાં વધુ સમય નીકળી ગયો ત્યારબાદ આખરે સરકારની મંજૂરી મળી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ જ રીતે એલ્યુમિના અને એલ્યુમિનિયમ સ્મેલ્ટર પ્લાન્ટ કે જેની જમીન વગેરે પણ ફાળવી દેવાઈ હતી તેનું પણ બાળ મરણ થવા પામ્યું હોય તેમ વાર્ષિક પાંચ લાખ મેટ્રીક ટન ક્ષમતાની આ યોજના પડતી મૂકવામાં આવી.