અમદાવાદ,તા.૨૫
રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને લગતી શૈક્ષણિક અને વહીવટી મોનિટરીંગની જવાબદારી પ્રાથમિક વિભાગના સીઆરસી બીઆરસીને સોંપવાનો નિર્ણય કરાયો છે. જે નિર્ણય હાસ્ય હોવા સાથે વિવાદનું કેન્દ્ર બન્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક આચાર્ય સંઘ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરી શિક્ષણ મંત્રી, અને શિક્ષણ નિયામક સુધી રજુઆત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના એક નિર્ણયના કારણે હાલ રાજ્યના આચાર્ય સંઘમાં વિરોધનો સુર ઉઠ્યો છે. આ નિર્ણયની જો વાત કરવામાં આવે તો હવેથી માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને વહીવટી નિરિક્ષણની જવાબદારી પ્રાથમિકના સીઆરસી બીઆરસીને સોંપવાનો નિર્ણય કરાયો છે. જેનો આચાર્ય સંઘે વિરોધ કર્યો છે. માધ્યમિક શિક્ષકોથી ઓછી લાયકાત ધરાવતા નિરિક્ષકોને મોનિટરિંગની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદના આચાર્ય સંઘના પ્રમુખ રાકેશ પંડ્યા જણાવે છે કે ’આ વિશિષ્ટ પ્રકારની મોનિટરિંગ કરવાની પ્રક્રિયા ઉભી કરાઈ છે. સીઆરસી જે પ્રાથમિક શાળાના ડેપ્યુટેડ શિક્ષકો છે. તેઓએ માધ્યમિક શાળા અને હાયર સેકન્ડરી સ્કૂલના શિક્ષકોની હાજરીઓ અને સરકાર દ્વારા ચુકવાતી ગ્રાન્ટો અને સરકારી સહાયનું મોનિટરિંગ કરવાની સુચના અપાઈ છે. તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકોને માધ્યમિક શાળાના વર્ગોનું મોનિટરિંગની પણ સુચના આપવામાં આવી છે.’ આ નિર્ણય અરાજકતા ફેલાવે તેવો હોવાનું તેઓ જણાવી રહ્યાં છે. બીજીતરફ આ મામલે રાજ્યના આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ સચિવ, શિક્ષણ નિયામક અને પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખિતમાં રજૂઆત કરાઈ છે. માધ્યમિક શાળાના મોનિટરિંગ માટે પ્રાથમિક શાળાના શિક્ષકોની જગ્યાએ માર્ગદર્શન આપી શકે તેવા અધિકારીને જવાબદારી સોંપાય તેવી માંગ કરી છે. રાજ્યમાં અંદાજે ૪ હજાર જેટલા સીઆરસીની જોગવાઈ છે તેની સામે માત્ર ૩૧૦૦ની જગ્યા ભરાઈ છે. જ્યારે અમદાવાદમાં ૬૮ સીઆરસી જ છે. જે સીઆરસી છે તેવા મોટા ભાગના શિક્ષકોને ડેપ્યુટેશન પર નિમણૂંક અપાઈ છે. તેવામાં હાલ તો રાજ્યના આચાર્ય સંઘ દ્વારા લેખિતમાં રજુઆત કરી શિક્ષણ વિભાગના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. જો આ મામલે સત્વરે નિર્ણય નહિ લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે અસહકારના આંદોલનના માર્ગે જવાની ચીમકી આચાર્ય સંઘે ઉચ્ચારી છે.