ભાવનગર, તા. ૯
ગુજરાત રાજયના વિવિધ વિસ્તારોમાં કોરોના વાયરસ કોવીડ-૧૯ની હયાત પરિસ્થિતીને ધ્યાને લઈ, જાહેર આરોગ્ય હિત જાખમાઈ નહી તે રીતે શિક્ષણ વિભાગ દ્વારા રાજયની સરકારી, બીનસરકારી, અનુદાનીત (ગ્રાન્ટ ઈન એઈડ) અને ખાનગી શાળાઓમાં નવા શિક્ષણ વર્ષની શિક્ષણ પ્રવૃતિઓ શરૂ કરવા સંબંધે હાલની સ્થિતીને અનુલક્ષીને સુચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવી છે. ઉપરાંત ચાલુ વર્ષે સમાજ સુરક્ષા નિયામક હસ્તકની તમામ સંસ્થાઓ જેમાં ખાસ કરીને દિવ્યાંગ સંસ્થાઓમાં ધો.૧ થી ૮માં બીજી સુચના મળે ત્યાં સુધી સંસ્થામાં પ્રવેશ આપી શકાશે નહી, સમાજ સુરક્ષા હસ્તકની કોઈપણ સંસ્થામાં કોઈપણ બાળક પ્રવેશ માટે આવે તો તેમને નજીકની કોઈપણ સ્કુલમાં અભ્યાસ માટે દાખલ કરવાનાં રહેશે. છતા પણ સંસ્થા દ્વારા પ્રવેશ આપવામાં આવશે તો તેની સંઘળી જવાબદારી જે તે સંસ્થાના સંચાલક મંડળની રહેશે. તેઓ સમાજ સુરક્ષા કચેરી ગાંધીનગર દ્વારા પરીપત્ર પ્રસિધ્ધ થયો છે.
આ પરિપત્રનો ગુજરાત અંપગ સંસ્થા સંચાલક સંઘ તથા ભાવનગર શહેરની અંધઉધોગ શાળાનાં પ્રમુખ અને ગુજરાતનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણી, માનદમંત્રી મહેશભાઈ પાઠક, ટ્રસ્ટી પંકજભાઈ ત્રિવેદી, શાળાનાં આચાર્ય ઘનશ્યામભાઈ બારૈયા સહિતનાઓએ આજે એક પત્રકાર પરિષદ બોલાવી આ પરિપત્રનો વિરોધ કર્યો હતો અને જા સરકાર દ્વારા આ પરિપત્ર પરત ખેંચવામાં ન આવે તો રાજય વ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. લાભુભાઈએ જણાવ્યું હતુ કે, વિકલાંગ બાળકો, બેરા-મુંગા, અંધ બાળકો સામાન્ય શાળામાં અભ્યાસ કરી શકે નહી તે માટે જ જુદી-જુદી સંસ્થાઓ દ્વારા ખાસ શાળાઓની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સામાન્ય શાળામાં અંધ વિધાર્થી કંઈ રીતે ભણી શકે તેમજ આ શાળાનાં શિક્ષકો અંધ, બેરા-મુંગા વિધાર્થીઓને કેવી રીતે ભણાવી શકે તે સમજાતું નથી. અમારી સંસ્થામાં આવા વિધાર્થીઓ અભ્યાસ માટે તાલીમ બધ્ધ શિક્ષકો હોય છે, સાધનો હોય છે અને તમામ પ્રકારની સુવિધાઓ પણ હોય છે. તેથી આવા વિધાર્થીઓને આવી સંસ્થાઓમાં જ અને શાળાઓમાં જ પ્રવેશ મળવો જાઈએ. સમાજ સુરક્ષા ખાતુ -૨૦૦૯-૨૦૧૨ ગાંધીનગરના કાયદાનું સરેઆમ ઉલ્લેઘન છે. કોઈપણ વિકલાંગ બાળકને અસરકારક શિક્ષણની સેવાઓથી વંચિત રાખી શકાતા નથી. તેથી ઉકત પરિપત્ર સરકાર દ્વારા પરત ખેંચવામાં આવે અને વિકલાંગોને શિક્ષણથી વંચિત રાખવાના પરીપત્ર પાછો ખેંચવામાં આવે તેવી માંગ લાભુભાઈ સોનાણી સહિતનાઓએ કરી હતી. આ પરિપત્રનો વિરોધ દર્શાવી રાજ્યના મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ લેખીતમાં રજુઆતો કરવામાં આવી છે.