ભાવનગર, તા.૧૬
સીપીઆઇ (એમ) દ્વારા આજે મંગળવારે સમગ્ર દેશભરમાં કોરોના પરિસ્થિતિમાં જનતાને રાહત આપવાની માગણી અને સરકારની નીતિના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયા હતા. ભાવનગર સહિત રાજયભરના ૧૦ જેટલા જિલ્લાઓમાં સરકારની ગાઈડ લાઈન મુજબ અને લોકડાઉનનાં નિયમોનું પાલન કરી દેખાવો-પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. આજે ભાવનગર શહેરના પાનવાડી ચોકમાં સીપીએમના આગેવાનો, કાર્યકરોએ નિયમો મુજબ હાથમાં પ્લે કાર્ડ બતાવી સુત્રોચ્ચાર કરી દેખાવો યોજ્યા હતા.
સીપીએમ દ્વારા માંગ કરવામાં આવી છે કે, તાત્કાલિક રીતે સીધી કેશ રાહતરૂપ ઇન્કમટેક્સ ન ભરતા એવા તમામ કુટુંબોને ૬ માસ સુધી માસિક રૂપિયા ૭૫૦૦ આપો, સરકારી ગોડાઉનોમાં સડી જતું અનાજ સડી જાય તે પહેલા ૬ માસ સુધી વ્યક્તિ દીઠ ૧૦ કિલો અનાજ આપો, લોકડાઉનની આર્થિક કટોકટીના કારણે બેરોજગાર બનેલ બેરોજગાર નોકરીયાતો-મજૂરો- યુવા બેરોજગારોને દુનિયાના અન્ય દેશોની જેમ બેરોજગારી ભથ્થું આપો અને ગ્રામીણ રોજગાર યોજનામાં ૨૦૦ દિવસનું કામ આપો તથા મનરેગાને શહેરી વિસ્તારમાં ચાલુ કરો, કોરોના વોરીયર્સ એવા ડોક્ટર, નર્સીગ સ્ટાફ, આશા, આંગણવાડી, ફેસીલીએટરો, પોલીસ, હોમગાર્ડ સહિતનાને હેલ્થ સેફ્‌ટીના પુરતા સાધનો તથા વિશેષ વેતન આપો, તમામ શાળા-કોલેજોની એક વર્ષની ફી માફ કરો, નાના ઉદ્યોગ ધંધાર્થી અને ખેડૂતોને માત્ર લોન નહીં સીધી સહાય આપોની માગણી સીપીએમ દ્વારા કરાઇ છે.