(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૨
અશાંત ધારામાં વિસ્તારમાં સ્થાવર મિલકતની તબદિલી પર પ્રતિબંધ મૂકવા અને તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવાની જોગવાઈને રદ્દ કરવા માટે વિધાનસભામાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ખાનગી વિધેયક રજૂ કર્યું હતું. જેમાં તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ સરકાર બે મોંઢાની વાત કરી છે. એક બાજુ કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવી છે, તેના લીધે કોઈપણ નાગરિક કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે, જ્યારે તેનાથી ઉલ્ટુ ગુજરાત સરકારે અશાંત ધારો અપનાવી ગુજરાતનો નાગરિક ગુજરાતમાં કે પોતાના શહેરમાં કોઈ સ્થાવર મિલકત ખરીદી શકે નહીં. તેવી જોગવાઈ કરી છે. આમ આ બાબત સિદ્ધાંતોની વિરૂદ્ધ છે. ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલ્કતોની તબદીલી પર પ્રતિબંધ મુકતો કાયદો સૌ પ્રથમવાર સન ૧૯૯૧માં ઘડવામાં આવ્યો હતો. અશાંત વિસ્તારોમાં મકાનો સસ્તા ભાવે પડાવી લેવામાં આવે છે તેવી રજૂઆત બાદ ૧૯૯૧માં આ કાયદો અમલમાં આવ્યો ત્યારથી આજે ૨૦૨૦ની સાલ થઈ એટલે ર૯ વર્ષ થયા છતાં હજુ આ કાયદો હજુ અમલમાં છે. લઘુમતી કોમના લોકો બહુમતી કોમના લોકોના મકાનો ખરીદે છે અને તેનાથી એ વિસ્તારમાં લઘુમતી કોમના લોકોની વસ્તી વધી જશે તેવી સંકુચિત માનસિકતા, અને કોમવાદી વિચારસરણી ધરાવતા લોકોની માંગણીઓ સંતોષવા માટે સરકારે આ કાયદો ચાલુ રાખ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર વારંવાર ગુજરાતમાં હવે કોમી તોફાનો થતા નથી અને કોમી એખલાસનું વાતાવરણ હોવાની વાતો કરે છે. જો કોમી તોફાનો ખરેખર બંધ થઈ ગયા હોય તો જુદા જુદા ગામો અને શહેરોમાં નવા નવા વિસ્તારો શું કામ અશાંત જાહેર કરવામાં આવે છે ? ચાલુ વર્ષે અશાંતધારા હેઠળ અમદાવાદના ૭૪ વધારાના વિસ્તારોને ડિસ્ટર્બ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. અશાંતધારો ક્યાં લાગુ પડશે ? ક્યારે લાગુ પડશે ? અને કેટલા સમય માટે લાગુ પડશે ? તે સરકારે જાહેર કરવાનું હોય છે. અશાંતધારાની જોગવાઈઓમાં મિલ્કત ખરીદીમાં કલેક્ટરની પરવાનગી લેવાની હોય છે, જેનો ઘણા કિસ્સાઓમાં દુરુપયોગ થવાનો ભય રહેલો છે. કલેક્ટરના નિર્ણય સામે રાજ્ય સરકારમાં અપીલ કરવાની જોગવાઈ છે પરંતુ કોર્ટમાં જવાની જોગવાઈ ન હોવાને કારણે આ કાયદો રદ્દ થવો જોઈએ. તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. ગૃહમાં અશાંત ધારાને રદ્દ કરવાની ચર્ચામાં ભાગ લેતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અશાંત ધારો લાગુ છે. તેવા વિસ્તારોમાં મિલકતના ભાવ ઘટી રહ્યા છે. ત્રણ દાયકા અગાઉ રાજ્યમાં તમામ કોમના લોકો સાથે રહેતા હતા. આજે ત્રણ દાયકા પછી સમરસતાની દુહાઈ દેતી સરકારમાં જાતિ પૂછીને મકાનો આપવામાં આવે છે. ગુજરાતમાં ભાજપના રપ વર્ષના શાસનમાં તમામ ધર્મ અને જાતિના લોકો એક સાથે ભાઈચારાથી રહે તેવું શાંતિએ સલામતીવાળા વાતાવરણનું નિર્માણ થયું નથી, ત્યારે અશાંત ધારો રદ્દ થવો જોઈએ. વધુમાં ધારાસભ્ય શેખે સરકારને સવાલ પૂછતા કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં અશાંત ધારો દૂર કરવા કોઈ હિલચાલ કરે છે ? રાજ્યમાં બળજબરી ધાકધમકી કે લાલચ આપી મિલકત પડાવી લેવાના કેટલા બનાવો નોંધાયા છે ? અંતમાં તેમણે કહ્યું હતું કે, શાહપુરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષાની ચાદર ઓઢી હતી તથા બીએપીએસની રચના થઈ હતી, તે પોળમાં બે મકાનો લઘુમતી કોમના વ્યક્તિઓએ ખરીદ્યા હતા. આ વાતની જાણ થતાં મેેં મકાન ખરીદનાર લઘુમતી કોમના વ્યક્તિઓને સમજાવીને સોદો રદ્દ કરાવ્યો હતો.