હિંમતનગર, તા.ર૧
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રાષ્ટ્રીય સ્તરે આદર્શ ગામની ખ્યાતી પ્રાપ્ત પુંસરી ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની અમલવારી માટે કેન્દ્રના ૩૦ સચિવોએ મુલાકાત લીધી. જુદા જુદા વિષયની ચર્ચા સરપંચો સાથે સંવાદ કરતાં જાણકારી મેળવી હતી. ગુજરાતમાં સરપંચો સાથે સંવાદ કરતાં અને પુંસરી ગામના વિકાસમાં ખાસ ફાળો આપનાર પૂર્વ સરપંચ હિમાંશુ પટેલ સાથે મુલાકાત કરી અને યોજનાઓ વિશે જાણકારી મેળવી હતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અમલમાં મુકેલ નાણાંપંચ, પ્રધાનમંત્રી આવાસ યોજના, કિસાન સન્માન નિધિ, આરોગ્યની યોજનાઓ, આંગણવાડીની યોજનાઓ વધુ લોકભોગ્ય કેવી રીતે બનાવવી શકાય તે માટે કેન્દ્ર સરકારના જુદા વિભાગના સચિવોનું બનેલ પ્રતિનિધિ મંડળ તલોદ તાલુકાના પુંસરી ગામે મુલાકાત માટે આવ્યા હતાં. આ પ્રતિનિધિ મંડળમાં કેન્દ્ર સરકાર ઉપરાંત તામિલનાડુ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિવના સચિવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિ મંડળે પુંસરીના સરપંચ, પૂર્વ સરપંચ અને આદર્શ ગામ યોજના હેઠળ સરપંચો સાથે સંવાદ કરી દરેક યોજનાની વાસ્તવિક પરિસ્થિતિ અને સુધારા વધારાના સુચનો મેળવ્યા હતા. પુંસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી અને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ. ડામોર, મામલતદાર અગરસિંહ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી પટેલ અને પુંસરી ગામના સરપંચ સુનંદાબેન પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં.