ભરૂચ,તા.૧૬
ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નર્મદા નદી સૂકીભટ્ટ બનતા હજારો માછીમારોની રોજી રોટી છીનવાઈ જતા ૪૫ ગામના હજારો માછીમારો એ કાળા વાવટા સાથે ભરૂચના માર્ગો ઉપર વિશાળ રેલી યોજી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. જેમાં જોડાયેલા નર્મદાના આંદોલનકારી મેઘા પાટકર પણ જોડાયા હતા. તેઓએ જણાવ્યું હતું કે સરકારની લાપરવાહીના કારણે નર્મદાએ પોતાનું અસ્તિત્વ ગુમાવ્યું છે. ઉનાળાના પ્રારંભથી નર્મદા નદીના ઓવરા સૂકા ભટ્ટ બન્યા છે તો સરકારે પણ નર્મદા ડેમ પર વધારાના દરવાજા લગાડી ને પાણી કચ્છ સુધી પહોંચાડી પોતાની મત બેંક સાચવી છે અને ઉદ્યોગ કારોને પાણી પહોંચાડી ગરીબ માછીમારો અને ખેડૂતો ને બેરોજગાર કરતા તંત્ર સામે અને સરકાર સામે બે રોજગાર બનેલા માછીમારો એ સરકાર ના બહેરા કાને વાત પહોંચાડવા માટે બંબા ખાના નજીકથી કાળા વાવટા તથા હાથમાં બેનરો સાથે ભવ્ય રેલી નીકળી હતી. જેમાં નર્મદા બચાવના આંદોલન કારી મેઘા પાટકરે અચાનક રેલીમાં એન્ટ્રી કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતો. જોકે પોલીસે મેઘા પાટકરની સુરક્ષા માટે ચુસ્ત મહિલા પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. જોકે બંબા ખાનાથી નીકળેલી માછી મારોની રેલી મહંમદ પુરા ચોકડી પહોંચતા જ સ્થાનિક મુસ્લિમ અગેવાનોએ માછીમારોની માં નર્મદા બચાવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરી યાત્રામાં જોડાયેલા હજારો માછીમારોને પાણી પીવડાવી રેલીનું આગણ પ્રસ્થાન કરાવ્યું હતું. નર્મદા નદી પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે ત્યારે માછીમારો બે રોજગાર બનતાની સાથેજ માછીમાર સમાજે પોતાની એકતા બતાવી વિશાળ યાત્રા શહેરના મહંમદ પુરાથી એમ જી રોડથી પાંચબત્તી થઇ સેવાશ્રમ રોડ શક્તિનાથથી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં માછીમારો એ નર્મદામાં પાણી છોડવા મુદ્દે ભારે સૂત્રોચ્ચાર સાથે ભજન મંડળીની રમઝટ બોલાવી કલેકટર કચેરીને ગજવી મૂકી હતી.