અમદાવાદ, તા.૧૧
રાજ્ય સરકારે એલઆરડી ભરતી પ્રક્રિયામાં અનામતનો અગાઉ કરલો પરિપત્ર રદ કરી તેમાં ફેરફારની જાહેરાત કરવાની ફરજ પડી છે. લોકરક્ષક દળની ભરતીમાં અનામતમાં અન્યાય થયો હોવાનું કહીને અસંખ્ય મહિલાઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહી છે ત્યારે સરકારના પરિપત્ર બાદ મહિલા ઉમેદવારોના આંદોલનનો તો અંત આવશે પરંતુ બકરૂં કાઢતાં ઊંટ પેઠું જેવો ઘાટ સર્જાયો છે. સરકારે પરિપત્ર રદ કર્યાની જાહેરાત કરતાં બિનઅનામત વર્ગના ભવો ચઢી ગયા છે. હવે બ્રાહ્મણ, પાટીદાર, ક્ષત્રિયો સહિતના સવર્ણો મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એલઆરડી ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી આગળ વધી રહી છે. તાજેતરમાં જણાવ્યા બાદ આજે સરકાર દ્વારા પરિપત્રને રદ્દ કર્યાની જાહેરાત કરી છે. પરિપત્ર રદ્દ કર્યાની જાહેરાત સાથે જ SC/ST/OBC દિગ્ગજ નેતાઓ પારણા કરાવવા માટે આંદોલન સ્થળ પર પહોંચ્યા હતા. જો કે, આંદોલનકારીઓ જ્યાં સુધી પરિપત્ર હાથમાં નહીં આવે ત્યાં સુધી આંદોલન સમેટશે નહીં. જ્યારે પરિપત્ર રદ્દ થયાના નક્કર પૂરાવા તેમને મળશે પછી જ આ સમગ્ર આંદોલન સમેટાશે, તેમ જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી તે સાથે જ હવે બિનઅનામત વર્ગ પણ મેદાનમાં આવ્યો છે. અત્યાર સુધી પરદા પાછળ રહીને સમગ્ર ઘટનાક્રમ જોઇ રહેલા સવર્ણ વર્ગનાં નેતાઓ હવે મેદાને આવ્યા છે. આવતીકાલે સવર્ણો દ્વારા ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારનાં પરિપત્રનો અભ્યાસ કરીને આગળની રણનીતિ ઘડવામાં આવશે. જરૂર પડ્યે આંદોલનથી માંડીને સવર્ણ નેતાઓને દબાણમાં લાવીને ઘટતું કરવા પ્રયાસ કરાશે.
બીજી તરફ હાલ આ સમગ્ર મુદ્દો કોર્ટમાં છે. એવામાં રાજ્ય સરકારનો આ નિર્ણય લાગુ પડશે કે કેમ તે પણ એક સવાલ છે. જો કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવે તો રાજ્ય સરકાર તે લાગુ કરવા માટે બંધાયેલી છે. તેવામાં આ પરિપત્ર રદ્દ કરવો કેટલો યોગ્ય તે પણ એક મોટો સવાલ છે. આમ રાજ્ય સરકારે ૬૦ દિવસથી ચાલતા આંદોલનને શાંત કરવા માટે પ્રયાસ કર્યા ત્યાં બીજો વર્ગ નારાજ થાય તેમ લાગી રહ્યું છે. આથી સરકારની સ્થિતિ બકરૂં કાઢતાં ઊંટ પેઠી જેવી થઈ ગઈ છે.