(એજન્સી)
વોશિંગ્ટન, તા.૭
ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બી. આર. આંબેડકરની મૃત્યુતિથિએ દક્ષિણ એશિયાના એક્ટિવિસ્ટો વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં ધાર્મિક લઘુમતિઓ અને રાજકીય વિરોધીઓ સામે થઈ રહેલ અત્યાચારો વિરૂદ્ધ અવાજ ઊઠાવવા ભેગા થયા હતા. ૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ ઈન્ડિયન અબ્રોડ ફોર પ્લુરાલીસ્ટ ઈન્ડિયા દ્વારા નવી દિલ્હીમાં હાલમાં ચાલી રહેલ ખેડૂતો આંદોલન દરમિયાન પોલીસની હિંસાના વિરોધમાં રેલી યોજાઈ હતી. આઈએપીઆઈએ જણાવ્યું હતું કે, અમારૂં માનવું છે કે, હાલમાં શાસન કરી રહેલ કટ્ટરવાદી હિન્દુત્વની વિચારધારા ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર ભારતના બંધારણ સાથે છેડછાડ કરી ભારતની લોકશાહી અને ધાર્મિક સ્વતંત્રતાને સમાપ્ત કરવા જઈ રહી છે. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ ભાજપના સમર્થકોએ બાબરી મસ્જિદ તોડી હતી અને આજના દિવસે જ સરકારે ખેડૂતોનો આંદોલન કચડવા પોલીસને છૂટ્ટો દોર આપ્યો છે. ભાજપ દ્વારા વર્ષો પછી કરાયેલ કૃત્યો ભાજપનું બંધારણ પ્રત્યે અનાદર દર્શાવે છે. રેલીમાં ભાગ લેનારાઓ સરેમાં આવેલ ભારતીય વિઝા અને પાસપોર્ટની ઓફિસ બહાર ભેગા થયા હતા અને લઘુમતિઓ ઉપર થતા હુમલાઓ, રાજકીય એક્ટિવિસ્ટો જેમાં આંબેડકરના જમાઈ આનંદ તેલ્તુમ્બ્ડે પણ સામેલ છે એમની ધરપકડો સામે વિરોધ દર્શાવવા સૂત્રો પોકાર્યા હતા. રેલીમાં સંબોધન કરનારાઓએ સર્વ સંમતિથી ભાજપના બંધારણને નબળું બનાવી હિન્દુત્વ રાજની સ્થાપના અને લઘુમતિઓના અધિકારો સામે જોખમ ઊભું કરી વિરોધીઓનો અવાજ દબાવવાના એજન્ડાની આલોચના કરી હતી. વક્તાઓએ મોદી સમર્થિત મીડિયા જે રીતે ખેડૂતોને ત્રાસવાદી તરીકે ચીતરી રહી છે એની સામે રોષ પ્રકટ કર્યો હતો.
(સૌ. : સબરંગ ઈન્ડિયા)
Recent Comments