(એજન્સી) તા.૨૩
આપણે કદાચ ગુજરાતના મુખ્ય પ્રધાનના આભારી છીએ કે તેમણે મોટા ભાગના ભારતીયોએ જેનું નામ પણ ક્યારેય સાંભળ્યું ન હતું અને ક્યારેય તેને ચાખ્યું ન હતું એવા ડ્રેગન ફ્રૂટનો પ્રચાર-પ્રસાર કર્યો છે. મુખ્ય પ્રધાને આ ફ્રૂટનું નામ બદલીને કમલમ રાખવાનો નિર્ણય કર્યો હતો. આપણે જાણીએ છીએ કે આ ફ્રૂટ સેન્ટ્રલ અમેરિકાનું છે અને મોટા ભાગે વિયેટનામમાં તેનું વાવેતર થતું હતું. ૯૦ના દાયકામાં આ ફ્રૂટ ભારતમાં આવ્યું હતું. આપણે ગુજરાતના મુખ્ય પ્રધાનનો એ બાબતે આભાર માનવો જોઇએ કે તેમણે આ ફ્રૂટનું નામ બદલીને વડાપ્રધાનનું નામકરણ એટલે કે ફ્રૂટનું નામ મોદી રાખ્યું નહીં. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફ્રૂટનું નામ કમલમ રાખીને આગળ વધ્યાં નહીં તે સારી વાત છે. તેમણે નામ બદલવા પાછળના નિર્ણયને યથાર્થ ઠરાવતાં જણાવ્યું કે આ પવિત્ર ભૂમિ પર ડ્રેગન ફ્રૂટ એ યોગ્ય નામ નથી તેથી યોગ્ય સંસ્કૃત નામ શોધી કાઢવામાં આવ્યું છે અને તેનો ઉચ્ચાર કરવો પણ સરળ છે. તે યોગાનુયોગ છે કે કમલમ ભાજપનું ચૂંટણી પ્રતિક છે. જો કે ફ્રૂટના નામકરણના મામલે કેટલાક સવાલો ઊભા થયાં છે. શું ફળો, રસ્તાઓ, સ્થળો અને રેલવે સ્ટેશનોના નામ બદલીને નવા નામો રાખવા એ સરકારની કામગીરી છે ? એવું હોય તો સરકારનું પણ નામ બદલો. સરકારની આ કામગિરી નથી, પરંતુ હવે સરકારે આ કામગીરી કરી છે તેથી આલોચકો પ્રશ્નો પૂછી રહ્યાં છે કે શું શેરીઓ, હયાત સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના નામકરણ કરવાની કામગીરી સરકારની છે?આ પ્રજાસત્તાક દિને ખાસ કરીને સત્તાધીશ રાજકારણીઓને એ યાદ અપાવવાની જરુર છે કે તેઓ પ્રજા વતી શાસન કરે છે અને પ્રજાને જવાબદાર બનવાની જરુર છે. (સૌ : નેશનલ હેરાલ્ડ)