(એજન્સી) મુઝફ્ફરનગર, તા.૮
લોકસભામાં પસાર ટ્રિપલ તલાક સંબંધિત બિલને શરીઅત વિરૂદ્ધનું જણાવતા ઈસ્લામિયા ઈન્ટર કોલેજના મેદાનમાં ૧૪મી જાન્યુઆરીના રોજ મુસ્લિમ મહિલાઓનું સંમેલન યોજવાની ઘોષણા કરવામાં આવી છે. ફલાહે ઈન્સાનિયત વેલ્ફેર સોસાયટીના પરિસરમાં ઉલેમા, આઈમ્મા તેમજ મુસ્લિમ બુદ્ધિજીસવીઓની બેઠકમાં જણાવવામાં આવ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર ત્રણ તલાક જેવા મુદ્દા ઉઠાવીને લોકોને મૂર્ખ બનાવી રહી છે. ઉલેમાઓની બેઠકમાં જણાવવામાં આવ્યું કે ત્રણ તલાક સંબંધિત આ બિલ મહિલાઓના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે. સાથે જ તેમણે કહ્યું કે જો કેન્દ્રની ભાજપ સરકારને મુસ્લિમ મહિલાઓની ખરેખર આટલી બધી ચિંતા છે તો સરકારે મુસ્લિમ મહિલાઓને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત આપવી જોઈએ. ફલાહે ઈન્સાનિયત વેલ્ફેર સોસાયટીની આ બેઠક ડૉ.શમીમુલ હસનની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેનું સંચાલન શમશાદ કુરૈશી દ્વારા કરવામાં આવ્યું હતું. સોસાયટીના અધ્યક્ષ કારી મો.ખાલિદ સહિત અનેક સભ્યો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.