(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
એક ચોંકાવનારા ખુલાસામાં કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, સરકારના સૂત્રોએ તેમને કહ્યું છે કે, અર્થશાસ્ત્રીઓની સલાહ અનુસાર પરપ્રાંતિય શ્રમિકો અને ગરીબોને રોકડ ટ્રાન્સફર કરવાથી વિપક્ષી પાર્ટીઓ અને સમાજના સભ્યો તેમને તેમના ગામોમાં પરત મોકલવા માગી રહ્યા છે અને તેઓના કામ પર પરત ફરવામાં વિલંબ કરી શકે છે. સરકારની અંદરના આ સૂત્રોએ ખુલાસો કર્યો કે, સરકાર ચીનના વિકલ્પ માટે વૈશ્વિક ઉદ્યોગ સાથે મોટી ઉત્પાદનની તક જોઇ રહી છે. સરકારનું માનવું છે કે, પરપ્રાંતિયોને ડાયરેક્ટ ટ્રાન્સફરથી રોકાણકારોમાં ખોટો સંદેશ જશે. ઉદ્યોગપતિ રાજીવ બજાજ સાથે વાત કરનારા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, સરકારના કેશ ટ્રાન્સફર અંગે હઠાગ્રહી ઇન્કાર અને કામદારોને ત્રણ કે ચાર મહિના સુધી લટકાવી રાખવાથી તેઓ મુંઝવણમાં મુકાયા છે. આરબીઆઇના પૂર્વ ગવર્નર ડૉ. રઘુરામ રાજને લગભગ ૬૫,૦૦૦ કરોડ રૂપિયાનો અંદાજ મૂક્યો હતો જેનાથી તેમને લાગે છે કે, સરકાર આ ખર્ચ ઉપાડી શકે છે. ચાલુ અઠવાડિયે રેકોર્ડ કરાયેલી અને ગુરૂવારે બહાર પડાયેલી વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ‘‘મેં કહ્યું, તેની રાજનીતિ પડતી મુકો, મને માત્રે તેનો તર્ક જણાવો. હું તર્ક સમજવા માગું છું, તમારો તર્ક મને સમજાયો નથી. અને મને કેટલાક પોઇન્ટ્‌સમાં જવાબ મળ્યો.
પોઇન્ટ-૧ : ચીન સંબંધિત ભારત માટે મોટી તક રહેલી છે.
પોઇન્ટ-૨ : જો આપણા કામદારોને આપણે અત્યારે રોકડ આપીશું તો ‘બગડી જશે’. તેઓ બગડી જશે અને તેમના ગામોમાંથી પરત આવશે નહીં.
પોઇન્ટ-૩ : આપણા દેશમાં જેમના રોકાણની જરૂર પડશે તેવા આંતરરાષ્ટ્રીય સમુદાયમાં આપણે કદાચ ખોટો સંદેશ આપીશું.
પોઇન્ટ-૪ : ત્યાર પછી આપણે આ કામદારો અને નાના તથા મધ્યમ ઉદ્યોગકારોને નાણા આપવા વિચારી શકીએ.
કોંગ્રેસના નેતાએ રાજીવ બજાજને જણાવ્યું કે, તેઓ આ તર્કથી સંતુષ્ટ નથી. ભારતમાં એવા કોણ રોકાણ કરનારા છે જેઓ તમારી છબિને કારણે રોકાણ નહીં કરે, તેઓ એ માટે રોકાણ કરશે કારણ કે, તમે શું છો અને તમારી પાસે શું છે. અને તમારી પાસે કેવું અર્થતંત્ર છે. તેથી પ્રથમ તર્ક અર્થતંત્રને બચાવવા માટે હોઇ શકે. જો તમે અર્થતંત્રે સારી રીતે બચાવી શકો તો તમારી છબી બહાર આવશે અને અહીં આવવા માગનારાઓને બોલાવવામાં તમે સફળ થશો. જો તમારી પાસે અર્થતંત્ર બચ્યું નથી તો કાંઇ નહીં થાય. કોંગ્રેસના નેતાએ કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા હોવા છતાં લોકડાઉન હળવું કરવાના સરકારના નિર્ણય સામે પણ સવાલ ઉઠાવ્યા અને સૂચનો કર્યા. વિકેન્દ્રીકરણ ચાવીરૂપ છે અને વાયરસ સામે લડવાનું રાજ્યો પર છોડવું જોઇએ. જુદા-જુદા રાજ્યો વિવિધ ઉકેલો અને વ્યૂહરચના સાથે સામે આવ્યા છે. પંજાબ પોતાની રીતે રોગચાળાને ડામવાના પ્રયાસ કરે છે જ્યારે છત્તીસગઢ બીજી રીત અપનાવે છે. આ શરૂઆતથી જ થવું જોઇતું હતું પરંતુ બે મહિનાની મોટી ચૂક બાદ સરકાર હવે રાજ્યો પર નિર્ણય છોડી રહી છે.