(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રપ
સરકારના વહીવટી તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ-કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર-અપ્રમાણિકતા સહિતની ફરિયાદો અંગેની કામગીરી રાજ્ય તકેદારી આયોગ કરે છે ત્યારે સરકારી તંત્રના જુદા જુદા વિભાગો જાણે આ આયોગને ઘોળીને પી ગયા હોય તેમ જણાય છે. સરકારના જુદા -જુદા વિભાગોમાં તકેદારી આયોગે સુપરત કરેલા કુલ ર૩પ૪ કેસો હજુ પડતર બોલે છે. જેમાં ૩રર કેસ તો એવા છે જે પાંચ વર્ષ કરતાં વધુ વર્ષથી પડતર રહેલ છે અને વિભાગો દ્વારા તેનો કોઈ પ્રત્યુત્તર આપેલ નથી જેમાં ૧૦ વર્ષથી વધુ સમયના પણ ૧૦ કેસો પડતર છે આ કેસો પૈકી સૌથી વધુ સંખ્યામાં સરકારના પાંચ વિભાગોમાં જ ૧ર૦૦થી વધુ કેસો પડતર છે. રાજ્ય તકેદારી આયોગ દ્વારા સરકારના વિવિધ વિભાગો તથા બોર્ડ-નિગમોને પ્રાથમિક તપાસ માટે કે હકીકતલક્ષી અહેવાલ આયોગ દ્વારા મેળવવા અરજી આપેલ હોય તે પરત આવેલ ન હોઈ પડતર રહેલ છે. સરકારના આવા કુલ ર૩પ૪ કેસ પડતર રહેલ છે જેમાં મહેસૂલ વિભાગમાં ૩૪ર, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ ૩૧૦, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ – ર૮૪ શિક્ષણ વિભાગ ૧૪૯ તેમજ માર્ગ અને મકાન વિભાગમાં ૧૩૭ કેસ એમ આ પાંચ વિભાગમાં જ સૌથી વધુ ૧રરર કેસ પડતર રહેલ છે.
જ્યારે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગમાં ૧૦ વર્ષથી વધુ સમયથી આઠ કેસ અને શહેરી વિકાસ વિભાગના બે કેસ પડતર રહેલ છે. તો પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી કુલ ૩રર કેસ પડતર રહેલ છે. જેમાં પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના પ૬ કેસ, શહેરી વિકાસના ૪પ કેસ, મહેસૂલ વિભાગના ૩૭, આરોગ્ય વિભાગના ર૦, ખાણ-ખનીજ તથા શિક્ષણ વિભાગના ૧૯ કેસ પડતર રહેલ છે.
આયોગ દ્વારા આ પડતર કેસોની સમીક્ષા કરીને નિકાલ કરવા માટે વિભાગોનું ધ્યાન પણ દોરવામાં આવે છે. આ અંગે નિકાલ માટે જે તે વિભાગના જવાબદાર અધિકારીને રૂબરૂ બોલાવીને કેસની વિગતો મેળવવાનો આયોગ દ્વારા પ્રયાસો પણ કરાયા છે. રાજ્યના પાણી પુરવઠા વોર્ડમાં પણ ૭૮ કેસ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં પણ ર૪ કેસ મળી રાજ્યના બોર્ડ-નિગમ જાહેર સાહસોમાં પડતર કેસોની સંખ્યા કુલ ર૧૯ છે. આમ કુલ રાજ્યના તમામ બોર્ડ નિગમ સહિત વિભાગોમાં પાંચ વર્ષથી ઓછા સમયના ર૦૩૧ કેસ તથા પાંચ વર્ષથી વધુ સમયના ૩રર કેસ મળી કુલ ર૩પ૩ કેસ પડતર રહેવાનો આંકડો કંઈ નાનો સૂના ના કહેવાય જેના પરથી ખ્યાલ આવે છે કે સરકારના વિભાગો દ્વારા અધિકારી-કર્મચારીઓ સામે આક્ષેપોની તપાસમાં કેટલી બેદરકારી રાખવામાં આવે છે.