(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૯
ભારત-ચીનના સૈનિકો વચ્ચે ગલવાન સરહદ ઉપર થયેલી હિંસક અથડામણમાં ર૦ ભારતીય જવાનો શહીદ થયા હતા જેને પગલે સમગ્ર દેશમાં ચીન વિરોધી ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. ત્યારે વડોદરાના યુવાનો દ્વારા વડોદરાના પોલીસ સ્ટેશનો સહિત સરકારી ઈમારતો ઉપર લગાવવામાં આવેલા ચીની મોબાઈલ કંપનીઓના સાઈન બોર્ડ ઉતારી લેવાની માંગ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. વડોદરાના યુવાન કિશોર શર્મા, ચિરાગ કડિયા, આકાશ ખ્રિસ્તી, અભિષેક ભારદ્વાજ, અતુલ પ્રજાપતિ, કુલદીપ વાઘેલા અને પ્રિન્સ સહિતના યુવાનોએ પોલીસ કમિશનરને પોલીસ સ્ટેશનો ઉપર લગાવવામાં આવેલા ચીનની કંપનીઓના સાઈન બોર્ડ ઉતારી લેવા માટે આવેદનપત્ર આપ્યું હતું અને પોલીસ ભવન ખાતે તેઓએ દેખાવો કરી તાત્કાલિક સાઈન બોર્ડ ઉતારી લેવાની માગણી કરી હતી.