(સંવાદદાતા દ્વારા)
મોસાલી, તા.૧૮
માંગરોળ તાલુકાનાં વેલાવી ગામે સરકારી કન્યા છાત્રાલયમાં ઊભા કરાયેલ હોમકોરોન્ટાઈન સેન્ટર ખસેડવા પ્રશ્ને આજે તારીખ ૧૮નાં તાલુકા કોંગ્રેસ દ્વારા રસ્તારોકો આંદોલન કરવામાં આવ્યું.
જો કે, પોલીસે મહિલા સહીત વીસ કરતાં વધુ કોંગી કાર્યકરોને પોલીસે ડિટેઈન કર્યા. આ જિલ્લા વહીવટીતંત્રે ભરૂચ, સુરત, તાપી, નવસારી વગેરે જિલ્લાના વિદેશથી આવતાં લોકો માટે ઉપરોક્ત છાત્રાલય ખાતે હોમકોરોન્ટાઈન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, આજદિન સુધીમાં અંદાજે ૧૦૦ જેટલાં વિવિધ દેશોનાં ભારત આવેલા લોકોને હોમકોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા, આ વિસ્તારનાં સરપંચો, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, અને આગેવાનો તરફથી હોમકોરન્ટાઇન સેન્ટરનો વિરોધ કરી આ સેન્ટર હટાવવાની માંગ સાથે માંગરોળના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, છતાં આજદિન સુધી આ સેન્ટર ન હટાવવામાં આવતાં ગઈ તારીખ ૧૫નાં રોજ માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિએ માંગરોળના મામલતદાર મંગુભાઈ વાસવાને આવેદનપત્ર આપ્યું છે, આ આવેદનપત્ર રાજયનાં રાજ્યપાલ તથા સુરતનાં જિલ્લા કલેક્ટરને સંબોધીને તૈયાર કરવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે, ઉપરોક્ત સ્થળે જે સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, એ તાત્કાલિક હટાવવામાં આવે, કેમ કે વિદેશથી જે લોકો ને અહીં રાખવામાં આવી રહ્યા છે એમાંથી કોઈનો કોરોનાં વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો આ વિસ્તારને સીલ કરી દેવામાં આવશે, આ વિસ્તારની આસપાસ અનેક શેક્ષણિક સંકુલો આવેલાં છે, જેમાં પાંચ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, આસપાસનાં પચાસ કરતાં વધુ ગામોની પ્રજાનો તમામ વહેવાર વાંકલ ગામ સાથે જોડાયેલો છે, આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકાર આ વિસ્તારની પ્રજાનાં સ્વાસ્થય સાથે ચેડાં કરી રહી છે, જેથી આ સેન્ટરને દૂર ખસેડવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી, આ પ્રશ્ન આજે તારીખ ૧૮મી જૂનનાં, સવારે ૧૦ કલાકે, માંગરોળથી ઝંખવાવ જતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર વાંકલ ત્રણ રસ્તા ખાતે રસ્તા રોકો આંદોલન માટે માર્ગ ઉપર બેસી ગયા હતા, મહીલા સહીત વીસ કરતાં વધુ કોગી કાર્યકરો જોડાયા હતા, જો કે, માજીપંચાયતમંત્રી રમણભાઈ ચૌધરી, તાલુકા પ્રમુખ સામજીભાઈ ચૌધરી, બાબુભાઇ ચૌધરી, રૂપસિંગભાઇ ગામીત વગેરેઓને પોલીસે રસ્તા રોકો આંદોલન ઉપર બેસે એ પહેલાંજ પોલીસે ડીટેઇન કરી, વાંકલ સરકારી આરામગૃહ ખાતે નજર કેદ કરી દેવામાં આવ્યા હતા.