અમદાવાદ, તા.રપ
કોરોનાની મહામારીના આ કપરા સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગ સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાયેલો છે ત્યારે સરહદ પર લડનાર અને સંરક્ષણ માટે સેવા આપી નિવૃત્ત થયેલ સૈનિકો તેમજ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મળવાપાત્ર ડીએ (મોંઘવારી ભથ્થા) ઉપર કાતર ચલાવવી તે યોગ્ય નથી. ત્યારે વડાપ્રધાન તથા ગુજરાતના મુખ્યમંત્રી આ નિર્ણયની પુનઃવિચારણા કરી પગાર અને પેન્શનમાં મળતા ડીએ ઉપર કાતર ન ચલાવે તેવી માંગ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલે કરી છે. હાલમાં આપણી સરહદ પર લડતા જવાનો, હોસ્પિટલમાં અડીખમ સેવા આપતાં ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારી, પોલીસ દળના જવાનો તથા અલગ અલગ વિભાગના કર્મચારીઓ પોતાને કોરોના થાય તો થાય પણ ફરજ નહીં ચૂકવે તેવા ભાવથી જે કામ કરે છે તથા અન્ય તમામ વિભાગના કર્મચારીઓ પણ લોકડાઉનના કારણે સરકારની ઘરે રહેવાની સૂચના હોવાથી ઘેર બેઠા બેઠા શૈક્ષણિક, હિસાબી, વહીવટી સહિત જરૂરી કામકાજ કરે જ છે તેમને પ્રોત્સાહન લાભ આપવાના બદલે તેમને તેમના અધિકારથી મળવાપાત્ર મોંઘવારી ભથ્થમાં કાપ મૂકવાથી સમગ્ર તંત્રમાં હતાશા આવશે અને કોરોના સામેની લડતના કોરોના વોરિયર્સ ઉપર વિપરીત અસર પડશે. સરકારે તા.ર૩-૦૪-ર૦ર૦ના હુકમથી કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી ર૦ર૦થી ૩૦ જૂન ર૦ર૧ સુધી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના રૂપે મળનાર ભૂતકાળ અને ભવિષ્યના હપ્તાઓ બંધ કરી દીધા છે અને જાન્યુઆરી ર૦ર૦થી ૩૦-૦૬-ર૦ર૧ સુધી મોંઘવારી ભથ્થાનો કોઈ પણ લાભ નહીં મળે તેવું ફરમાવેલ છે. આનાથી લગભગ ૧૧૩ લાખ સૈનિકો, કર્મચારી અને પેન્શનરોને નકારાત્મક અસર થશે. દેશની સેવા માટે અડીખમ લડતા જવાનો, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અને પોલીસ જવાનોને પણ મોંઘવારી ભથ્થાના કાપના નકારાત્મક નિર્ણયમાંથી બાકાત નથી રાખ્યા. છેલ્લા ૩૦ દિવસમાં કર્મચારી અને મધ્યમ વર્ગને આ પ્રથમ માર નથી પરંતુ સરકારે ૩૧ માર્ચ ર૦ર૦ના રોજ નેશનલ સેવિંગ સ્કીમમાં ૧થી ૧.પ ટકાનો વ્યાજમાં કાપ મૂકીને ૩૦ કરોડ રોકાણકારોને ૧૯૦૦૦ કરોડનું વાર્ષિક નુકસાન કરેલ છે. એટલું જ નહીં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સેવિંગ એકાઉન્ટનું વ્યાજ ૩.૭પ ટકાથી ઘટાડી ૩ ટકા અને ફિકસ ડિપોઝિટ ઉપર પણ વ્યાજ ૦.રપથી ૦.પ૦% ઘટાડી એસબીઆઈના ૪૪.પ૧ કરોડ ખાતાધારકોને ૯૪ર૯ કરોડ રૂપિયાનું વાર્ષિક નુકસાન કરેલ છે. સરકારે ગરીબ અને મધ્યમ વર્ગની આવક પર કાતર મારતા પહેલાં પોતાના બિનજરૂરી અને ખોટા ખર્ચ બંધ કરવા જોઈએ. દેશની સંસદ અને રાષ્ટ્રપતિ ભવન જેવી મિલકતોને રિડેવલપમેન્ટ માટેના વિસ્તા પ્રોજેક્ટ પાછળ ર૦,૦૦૦ કરોડ રૂપિયા હાલ વાપરવાનું માંડી વાળવું જોઈએ. ૧,૧૦,૦૦૦ કરોડ રૂપિયા બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ મુલતવી રાખી શકાય. સરકારી કર્મચારીઓને પોતાની મહેનતના મળવાપાત્ર ખર્ચ સિવાયના સરકારી ખર્ચમાં જો ૩૦ ટકા કાપ મૂકીએ તો વધારાના ર લાખ પ૦ હજાર કરોડ બચી શકે. આ પૈસા ગરીબ, ખેડૂતો, નાના ઉદ્યોગકારો, હોસ્પિટલો, કામદારોના કલ્યાણ માટે વાપરી શકાય.