(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૩
રાજ્યની સરકારી કોલેજોમાંથી એમબીબીએસ પાસ થયેલા રરર૮ ડોક્ટરોને રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં નિમણૂક આપવામાં આવી હતી, પરંતુ તેમાંથી માત્ર ૩ર૧ ડોક્ટરો જ હાજર થયા હતા જ્યારે ૧૯૯૭ ડોક્ટરો હાજર થયા ન હતા. એટલે કે, સરકારી કોલેજોમાં પથી ૬ હજાર જેટલી નજીવી ફીમાં ભણીને એમબીબીએસ બનેલ ડોક્ટરોને ગ્રામ્ય દર્દીઓની સેવા કરવામાં રસ નથી. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી (આરોગ્ય)ને પૂછેલા વિવિધ પ્રશ્નોના લેખિત જવાબમાં સરકારે કબૂલાત કરી હતી કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ સરકારી કોલેજમાંથી કુલ રરર૮ ડોક્ટરો એમબીબીએસ થયા હતા, તેઓને રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં નિમણૂક આપવામાં આવે છે. પરંતુ તેમાંથી માત્ર ૩ર૧ ડોક્ટરો જ હાજર થયા હતા જ્યારે બાકીના ૧૯૦૭ ડોક્ટરો હાજર થયા ન હતા અથવા ગેરહાજર રહ્યા છે. આવા હાજર ન થયેલ કે ગેરહાજર રહેલા ડોક્ટરો પાસેથી બોન્ડની વસૂલાત કરવાની હોય છે. પરંતુ રૂા.૬ર.૦૭ કરોડ જેટલી માતબર રકમ વસૂલવાની બાકી છે. માત્ર રૂા.૭.ર૧ કરોડની જ બોન્ડની રકમ વસૂલાત કરી છે.
આ અંગે કોંગ્રેસે સણસણતો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકારી કોલેજોમાં રૂા.પથી ૬ હજાર જેવી મામૂલી ફીમાં ભણીને એમબીબીએસ થનાર ડોક્ટરોને ગ્રામ્ય દર્દીઓની સેવા કરવામાં રસ જ નથી સરકાર બોન્ડની રકમ પણ સમયસર પૂરતી વસૂલતી નથી. ત્યારે આવા ડોક્ટરોને પ્રોવિઝન ડિગ્રી જ આપવી જોઈએ તેઓ ૩ વર્ષ ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવે ત્યારબાદ જ ફાઈનલ ડિગ્રી આપવી જોઈએ.