જામનગર, તા.૭
જોડિયા તાલુકાના કેશિયા ગ્રામ પંચાયતના સરપંચ ભાવનાબેન ગોધાણી તથા કોંગ્રેસના નેતા જીવણભાઈ કુંભારવડિયા તેમજ ધારાસભ્ય પ્રવિણ મુસડીયાની આગેવાની હેઠળ ગ્રામ પંચાયતના સદસ્યો અને સમસ્ત ગ્રામજનોએ કેશિયા ગામની સરકારી ખરાબાની જમીન વીન્ડ ફાર્મ પાવર પ્રોજેક્ટના ઔદ્યોગિક હેતુસર ભાડા પટ્ટાથી આપવા સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. જ્યાં વીન્ડ ફાર્મ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે ત્યાં જઈને ઉગ્ર દેખાવો કરતાં જાણવા મળતી વિગતો પ્રમાણે હાલ કંપનીએ કામ અટકાવી દીધું છે.કેશિયા ગ્રામ પંચાયત તથા આગેવાનોએ કરેલી રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે વીન્ડ ફાર્મ પાવર પ્રોજેક્ટને ઔદ્યોગિક હેતુ માટે કેશિયા ગામની જમીનના સરકારી ખરાબાના સર્વે નંબર-૧૪૪માંથી જમીન ૧-હેક્ટર તથા સર્વે નંબર ૧૦૦૦માંથી હેક્ટર ૨ તથા સર્વે નં.૧૧૨૩માંથી જમીન હેક્ટર ૩ તથા સર્વે નં.૧૫૩૩માંથી જમીન હેક્ટર ૧ તથા સર્વે નં.૧૭૨૦માંથી ૧ હેક્ટર મળીને કુલ જમીન ૮-હેક્ટર આપવામાં આવેલ છે. ઉપરોક્ત સર્વે નંબરમાં ફાળવેલ જમીન કેશિયા ગામની ગ્રામ પંચાયત કચેરીનો કે સરપંચનો અભિપ્રાય લીધેલ નથી, અભિપ્રાય લીધા વગર જમીન ફાળવેલ છે જેની સામે ગામનો વિરોધ છે.કંપની પવનચક્કી ઊભી કરે તો ગામથી ઉપરના ભાગે આવે છે જેનાથી અવાજ પ્રદૂષણ તથા વાવાઝોડા સમયે પાંખડા ઉડીને ગામ ઉપર આવે તથા આ પવનચક્કીનો અર્થિંગ જમીન અંદર લગભગ ૨૫૦ ફૂટે આપવામાં આવે છે જેનાથી ગામની બાજુમાં સિંચાઈ માટેનું રાજાશાહીના વખતનું તળાવ આવેલ છે. જે ગામની જીવાદોરી સમાન છે. જે સ્થળથી અંદાજે ૫૦૦ ફૂટ દૂર છે જેમાં કાયમી પાણી હોય ત્યારે પવનચક્કીનો અર્થિંગ બાજુમાં હોય તેથી પાણી સૂકાય જાય અને પાણીનું શોષણ થાય અને ભવિષ્યમાં પાણી તળાવમાં સૂકાય જાય તેમ છે તેથી આ તળાવમાંથી સિંચાઈ તથા પાણીના પીવાના સ્ત્રોત ફક્ત આ એક જ તળાવમાંથી મળે તેમ છે તેથી આ કંપનીને આપેલ જમીન સામે ગ્રામજનોનો વિરોધ છે.
જો ગ્રામજનોની લાગણી-માંગણી નહીં સંતોષાય પવનચક્કીને જમીન ફાળવણીનો હુકમ રદ કરવામાં નહીં આવે તો ગામ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચિમકી આવેદનપત્રના અંતે આપવામાં આવી છે.