(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૯
રાજય સરકારના તમામ વિભાગો તથા તેના જાહેર સાહસો (બોર્ડ-નિગમ)માં ભ્રષ્ટાચાર રહિત સારો વહીવટ સંચાલન થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવતા હોય છે. સરકારના કર્મચારીઓ સામેના લાંચ-ભ્રષ્ટાચાર-ગેરરીતિ સહિતની ફરિયાદોમાં તપાસ વગેરેની કાર્યવાહી માટે કાર્યરત તકેદારી આયોગ સમક્ષ જે રીતે આવી અરજીઓ ફરિયાદોનો ખડકલો થઈ રહ્યો છે તે જેમાં જણાઈ આવે છે કે સરકારી તંત્રમાં કેટલી હદે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ વકરી રહી છે. છેલ્લે થયેલ ઓડિટના ર૦૧૬ના વર્ષમાં આવી ૮૪૧ર ફરિયાદોનો ખડકલો આયોગ સમક્ષ થવા પામ્યો હતો. જયાં બીજો મુદ્દો એ બહાર આવ્યો છે કે તકેદારી પંચ દ્વારા તપાસ દરમ્યાન પ્રાથમિક તપાસ કે હકીકત જાણવા સંબંધિત વિભાગો કે બોર્ડ નિગમોને જે અરજીઓ મોકલી હોય છે તેના નિકાલમાં ઉદાસીન વલણ દાખવતા આવી ૧૩૩ર અરજીઓ જેમાં પાંચ વર્ષ કરતા વધુ સમયની પણ સામેલ છે તે પડતર રહેવા પામી છે.
રાજયના સરકારી અધિકારીઓ કર્મચારીઓ સામેની લાંચ ભ્રષ્ટાચાર, ગેરરીતિ સહિતની ફરિયાદોની તપાસ સહિતની કાર્યવાહી માટે કાર્યરત ગુજરાત તકેદારી આયોગના ર૦૧૬ના વર્ષના વાર્ષિક અહેવાલમાં બહાર આવેલી વિગતો સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર કેટલી હદે વકર્યો હોવાનું દર્શાવે છે લાંચ-ભ્રષ્ટાચારની આવી અરજીઓમાં દર વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. ર૦૧૬ના વર્ષમાં આયોગ સમક્ષ ૮૪૧ર અરજીઓ આપી હતી. જે ર૦૧૪માં ૭૮૪૦ અરજીઓ કરતા ખાસ્સો વધારો સૂચવે છે. આ અરજીઓ પર કાર્યવાહી કરીને આયોગ દ્વારા તેનો નિકાલ કરવામાં આવતો હોય છે.
જયારે આવી અમુક અરજીઓમાં પ્રાથમિક તપાસ માટે અથવા તો હકીકતલક્ષી અહેવાલ મેળવવા માટે તકેદારી આયોગ દ્વારા સરકારના જે તે સંબંધિત વિભાગો કે બોર્ડ-નિગમોને તે અરજીઓ મોકલી આપવામાં આવતી હોય છે. સચિવાલયના વહીવટી વિભાગો, ખાતાના વડા અને તેમના નિયંત્રણ હસ્તકની ક્ષેત્રિય કચેરીઓના તમામ કેસો મળી આવી કુલ ૧૩૩ર અરજીઓ પડતર રહેવા પામેલ છે. જેમાં સરકારના મોટા વિભાગોમાં સૌથી વધુ ૯ર૩ અરજીઓ પડતર છે અને બોર્ડ નિગમોમાં ૧૦૬ અરજી પડતર છે. જે વિભાગોમાં સૌથી વધુ ૩પ૯ અરજી સાથે મહેસૂલ વિભાગ ટોપ પર છે. જેમાં પંચ વર્ષ કે તેથી વધુ સમયની ૩૩૭ અરજીઓ પડતર ચાલી રહી છે અને તેનો નિકાલ કરાયો નથી. બીજા ક્રમે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ વિભાગમાં ૧૯૮ અરજી પડતર છે. આમ સરકારના વિભાગોની ઉદાસીનતાને કારણે વર્ષોથી આ અરજીઓ નિકાલ વિના પડતર રહેલ છે જયારે બોર્ડ નિગમોમાં સૌથી વધુ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સમક્ષ ૩૯ અરજી પેન્ડીંગ છે. આવી કુલ ૧૦૬ અરજીઓ પડતર રહેવા પામેલ છે.
લાંચમાં ઝડપાયેલ અધિકારી સામે કાર્યવાહી ભલામણનો અસ્વીકાર
સરકારી તંત્રમાં લાંચ-ભ્રષ્ટાચારની ફરિયાદોના નિકાલ માટે કાર્યરત તકેદારી આયોગને પણ તંત્રના અમુક વિભાગો ઘોળી પી જતાં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. રાજ્યના કૃષિ અને સહકાર વિભાગે તકેદારી આયોગ દ્વારા લાંચમાં ઝડપાયેલ અધિકારી સામે આગળ કાર્યવાહી કરવા કરેલી ભલામણનો અસ્વીકાર કર્યો અને તેની કોઈ કાર્યવાહી કરી નહીં હોવાનું બહાર આવ્યું છે. તકેદારી આયોગ તેની તપાસ દરમ્યાન તથ્ય જણાય તો જે તે અધિકારી-કર્મચારી સામે આગળ કાર્યવાહી કરવા જે તે સંબંધિત વિભાગ કે બોર્ડ-નિગમને ભલામણ કરતું હોય છે તે મુજબ આગળ વધુ કાર્યવાહી થતી હોય છે. ત્યારે તકેદારી આયોગના અહેવાલમાં જણાવ્યા અનુસાર જૂનાગઢ જિલ્લાના તા.૩/૧/ર૦૧પના કેસમાં લાંચના છટકામાં પશુ ચિકિત્સા અધિકારી ઝડપાઈ જતાં તેના કેસમાં તેઓ સામે પ્રોસિક્યુશનની મંજૂરી આપવા કૃષિ અને સહકાર વિભાગને ભલામણ કરવામાં આવી હતી. જેનો વિભાગ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો. આ બાબતનું વાર્ષિક અહેવાલ સંદર્ભે માહિતી મંગાવતા તે વખતે આયોગના ધ્યાન પર આવી હતી. છેક છેલ્લે વિભાગ દ્વારા જવાબ પાઠવી અધિકારી સામે પ્રોસિક્યુશનની મંજૂરી આપવી યોગ્ય ન હોવાનું જણાવાયું હતું.