(સંવાદદાતા દ્વારા)
છાપી, તા.ર
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેરપુરાની સીમમાં આવેલ એક ખેતરમાંથી પસાર થતી આઈ.ઓ.સી.ની મુખ્ય પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલ ચોરી કરતા કૌભાંડનો પર્દાફાશ થતાં ચકચાર મચી જવા પામી હતી. જોકે આ સમગ્ર મામલાની જાણ થતા ઓઇલ કંપનીના અધિકારીઓ દોડી આવી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના શેરપુરા હાઇવે ઉપર આવેલ નવજીવન હોટલની પાછળ આવેલ એક ખેતરમાંથી પસાર થતી જીસ્ઁન્ સલાયા મથુરા પાઇપલાઈનમાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા પાઇપલાઈનમાં પંચર કરી પાઇપમાં લોખંડના વાલ્વ લગાવી પાઇપ વડે બસો ફૂટ દૂર હોટલના પાછળના ભાગે ઊભું રાખેલ ટેન્કર નંબર જી.જે.૦૧ એ.યુ.૬૨૨૯માં ભરતા હતા તે દરમિયાન છાપી પીએસઆઈ એલ.પી.રાણા તેમજ એસ.ઓ.જી. પોલીસ પહોંચી જઇ આ સમગ્ર ઓઇલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જોકે ઓઇલની ચોરી કરતા તસ્કરો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ સમગ્ર ઘટનાની જાણ ઓઇલ કંપનીના અધિકારીઓને કરતા ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી જ્યારે ઓઇલ ચોરીની સમગ્ર તપાસ એસ.ઓ.જી પોલીસને સોંપતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ખેતર માલિક શંકાના ઘેરામાં

પાઇપ લાઈનમાં પંચર કરી ઓઇલ ચોરી કેટલા સમયથી ચાલતી હતી તે તપાસનો વિષય બન્યો છે. સાથે સાથે ખેતરમાં દશ ફૂટ ઉંડો ખાડો કોને ખોદી વાલ્વ લગાવ્યો. ખેતરમાંથી બસ્સો ફૂટ લાંબી પાઇપ લાઈન નાખવા બાબતે ખેતર માલિક અજાણ કેવી રીતે હોઈ શકે. આ સમગ્ર મામલે ખેતર માલિક સામે શંકાની સોય સેવાઇ રહી છે.