(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.પ
શિક્ષકો તથા વિદ્યાર્થીઓની હાજરી સહિતની શિક્ષણ વગેરેની વિગતો ઓનલાઈન મળી શકે તે માટેની ‘કાયઝાલા’ એપ તા.પમી સપ્ટેમ્બરથી લાગુ કરવાના નિર્ણયે પીછેહટ કરનાર રાજ્ય સરકારે હવે અદ્યતન બાયોમેટ્રીક એટેન્ડન્સ સિસ્ટમ ધરાવતા સોફ્ટવેર સાથેનું ટેબલેટ સરકારી પ્રાથમિક શાળાઓને આપવાનો નિર્ણય કરાયો છે. આ સિસ્ટમ સરકારી શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્ર (નવેમ્બર)થી અમલી બનશે તેવું નિર્ધારિત કરાયું છે.
રાજ્યની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની સતત અને નિયમિત હાજરી એક અનિવાર્ય આવશ્યકતા છે ત્યારે શિક્ષક સમુદાયની લાગણીને ધ્યાનમાં રાખીને શાળાઓમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓની પણ નિયમિત હાજરીની ચકાસણીની વ્યવસ્થા અંતર્ગત ટેબલેટ દ્વારા તેઓની બાયોમેટ્રીક ઓનલાઈન હાજરી લેવાની વ્યવસ્થાનો અમલ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. આ માટે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓને ટેબલેટ આપવામાં આવશે અને આ ટેબલેટ દ્વારા બાયોમેટ્રીક ઓનલાઈન પદ્ધતિથી હાજરી લેવાની વ્યવસ્થા અમલી બનાવાશે. આ માટે ચાલુ વર્ષના બજેટમાં રૂા.૩૩ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગ દ્વારા આગામી બે મહિનામાં તમામ સરકારી પ્રાથમિક શાળાઓને આ હેતું માટે ટેબલેટ વિતરીત કરી દેવાશે. આ ટેબલેટ વિતરીત થઈ જતા આગામી નવેમ્બરથી શરૂ થનાર બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ ૧૦૦ ટકા બાયોમેટ્રીક એટેન્ડન્સ સિસ્ટમ અમલી બનશે.
સરકારી પ્રાથમિક શાળાઓને જે ટેબલેટ આપવામાં આવશે તે અદ્યતન બાયોમેટ્રીક એટેન્ડન્સ સિસ્ટમના સોફ્ટવેર સાથેની હશે. આ અદ્યતન સોફ્ટવેરના કારણે આગામી દિવસોમાં તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓની બાયોમેટ્રીક ઓનલાઈન હાજરી ટેબલેટ દ્વારા શક્ય બનશે. આ ટેબલેટમાં જીપીએસસી ટ્રેકિંગ અને જીઈઓ ફેન્સીંગ એન્ડ ટેગીંગની પણ વ્યવસ્થા હશે તેથી બાયોમેટ્રીક એટેન્ડન્સ સિસ્ટમ શક્ય બનશે.
આ સિસ્ટમના પરિણામે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીની બાબતમાં ખૂબ જ સુધારો પણ જોવા મળ્યો છે જે તે સમયે બાયોમેટ્રીક એટેન્ડન્સ સિસ્ટમ માટે રાજ્ય સરકારે અલગ-અલગ વિકલ્પોની પણ વિચારણા કરી હતી. આ વિકલ્પો પર રાજ્ય શિક્ષક સંઘ અને શૈક્ષણિક સંઘ જેવા સંગઠનના પ્રતિનિધિઓએ કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કરી પોતાના મોબાઈલમાં શાળાઓની હાજરી અંગેની એપ્લીકેશન ડાઉનલોડ કરવા બાબતે પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી. જેને પગલે સરકારે શિક્ષક સમુદાયની લાગણી પ્રત્યે હકારાત્મક વલણ દાખવી ઓનલાઈન બાયોમેટ્રીક એટેન્ડન્સ સિસ્ટમની વૈકલ્પિક વ્યવસ્થા અમલી બનાવવાનો નિર્ણય લીધો છે.