(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૩
રાજયની ભાજપ સરકારે છેલ્લા બે વર્ષમાં સરકારી પ્લેન અને હેલિકોપ્ટર પાછળ રૂા.૧૦.૭ર કરોડનો ધુમાડો કર્યો હોવાની વિગતો બહાર આવી છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્યએ સરકારી માલિકીના પ્લેન અને હેલિકોપ્ટર પાછળ સરકારે છેલ્લા બે વર્ષમાં કેટલો ખર્ચ કર્યો છે તેવો પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર ર૦૧૭ની સ્થિતિએ બે વર્ષમાં રાજય સરકારે પ્લેન-હેલિકોપ્ટર અને પાઈલોટ તથા સ્ટાફના પગાર પાછળ કેટલા ખર્ચમાં પ્લેન માટે કુલ રૂા.૪.૬ર કરોડ અને હેલિકોપ્ટર માટે રૂા.૬.૧૦ કરોડનો ખર્ચ કર્યો છે. વર્ષ વાર વિગતો ઉપર નજર કરીએ તો સરકારે પ્લેન માટે વર્ષ ર૦૧૬માં રૂા.ર.ર૬ કરોડ અને વર્ષ ર૦૧૭માં રૂા.ર.૩પ કરોડનો ખર્ચ કર્યો છે. તેવી જ રીતે હેલિકોપ્ટર માટે વર્ષ ર૦૧૬માં રૂા.ર.૮૭ કરોડ અને વર્ષ ર૦૧૭માં રૂા.૩.ર૩ કરોડનો ખર્ચ કર્યો છે. આમ સરકારે બે વર્ષમાં પ્લેન માટે કુલ રૂા.૪.૬ર કરોડ અને હેલિકોપ્ટર માટે કુલ રૂા.૬.૧૦ કરોડ ખર્ચયા છે. આમ બે વર્ષમાં સરકારે સરકારી પ્લેન અને હેલિકોપ્ટર પાછળ રૂા.૧૦.૭ર કરોડનો ખર્ચ કર્યો છે.