ગાંધીનગર, તા.૬
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં ચર્ચાનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપનને કારણે વિકાસલક્ષી ખર્ચમાં ઉતરોતર વધારો કરીને ગુજરાત દેશમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે. વિધાનસભામાં સન ૨૦૨૦ના ગુજરાત પૂરક વિનિયોગ વિધેયક રજૂ કર્યા બાદ તેની ચર્ચામાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ સરકાર ખેડૂતોની ચિંતા કરે છે તેથી ૩૯,૦૦૦ કરોડનું ટૂંકી મુદતનું ધિરાણ ઝીરો ટકાના દરે ખેડૂતોને અપાયું છે. હકીકતે રાજ્ય સરકારો ધિરાણની રકમનું વ્યાજ ૭ ટકાના દરે બેંકોને આપવું પડે છે અને આ રકમનો ૪ ટકાનો બોજ રાજ્ય સરકાર અને ૩ ટકાનો બોજ કેન્દ્ર સરકાર ઉપાડે છે. ધિરાણ માટે બેંકોને અગાઉથી પૈસા ચૂકવવા ૪૦૦ કરોડનું રીવોલ્વીંગ ફંડ આ સરકારે મંજૂર કરી ખેડૂતોને ધિરાણ સમયસર મળી રહે તેની ચિંતા કરી છે. પાક વીમા મુદ્દે તેમણે જણાવ્યું કે આ સરકારે વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ.૧૨૬૭.૧૯ કરોડ, વર્ષ ૨૦૧૭-૧૮ રૂ. ૧૦૭૫.૪૪ કરોડ અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૭૭૭.૪૬ કરોડ મળી કુલ રૂપિયા ૫૧૨૦.૦૯ કરોડની પાક વીમાની રકમ ખેડૂતોને દાવા પેટે ચૂકવી સાચા અર્થમાં ખેડૂતોની ચિંતા કરી છે. શ્રી પટેલે ઉમેર્યુ કે, રાજ્યના યુવાનોને રોજગારી આપવા માટે વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને ભરતી પ્રક્રિયા હાથ ધરીને છેલ્લા ઘણા વર્ષોમાં ૧.૨૫ લાખથી વધુ સરકારી અધિકારી/કર્મચારીઓની ભરતી કરી છે. તેમણે કહ્યું કે એલઆરડી ભરતી પ્રક્રિયામાં પણ કેટલાક વિરોધીઓ અને રાજકીય પક્ષોએ ગુજરાતની શાંતિ હણવાનો પ્રયત્નો કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવાનોને વિશ્વાસ હતો કે સરકાર અમારી પડખે છે અને રહેશે એટલે જ તેઓ અમારી સાથે રહ્યા.