અમદાવાદ, તા.૨
રાજ્યમાં હવે કોરોનાનો ટેસ્ટ ખાનગી ડૉક્ટરના પ્રિસ્ક્રીપશનના આધારે ખાનગી કે સરકારી લેબમાં કરી શકાશે. આ માટે રાજ્ય સરકારની મંજૂરી લેવાની રહેશે નહીં. આ માટે લેબ અને ડૉક્ટરોએ દર્દીની માહિતી સરકારી એપ્લિકેશન પર અપલોડ કરવાની રહેશે. રાજ્યના આરોગ્ય વિભાગે પરિપત્રમાં ઉપરોક્ત માહિતી આપતા ઉમેર્યું હતું કે, ખાનગી ડૉક્ટરના મેડિકલ ભલામણો આધાર પર સરકારી કે ખાનગી લેબમાં ટેસ્ટ કરવા માટે પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહીં પરંતુ આ માટે પોઝિટિવ દર્દીની ગાઈડલાઈન અનુસરવી પડશે. ખાનગી ડૉક્ટર, લેબોરેટરીએ જે તે જિલ્લા અથવા કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારીને ઈ-મેઈલથી જાણ કરવાની રહેશે. સરકારી એપ્લિકેશન દર્દીની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોના સંક્રમણની સંભાવના દર્દીને ટેસ્ટ કરાવવાની જરૂર જણાય તો દર્દીને દાખલ કરવાનો રહેશે. જો ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવ્યો તો દર્દીની સ્થિતિના આધારે ડૉક્ટર રજા આપી શકશે, જો પોઝિટિવ હોય તો ગાઈડલાઈન મુજબ અનુસરવાનું રહેશે. આઈ.સી.એમ.આર.ની ગાઈડલાઈન સિવાયના કિસ્સામાં ટેસ્ટ કરવાનો થાય તો તે સમયે જે તે હોસ્પિટલ કે ડૉક્ટરે અમદાવાદ શહેર અને જિલ્લા માટે સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ અને અન્ય જિલ્લા માટે મુખ્ય આરોગ્ય અધિકારીની મંજૂરી લેવી પડશે. યોગ્ય લાગે તો મેડિકલ સુપ્રિટેન્ડન્ટ અને મુખ્ય આરોગ્ય અધિકારીએ ૨૪ કલાકમાં મંજૂરી આપવાની રહેશે.