ગાંધીનગર, તા.૨૬
એક તરફ ભાજપ સરકાર ડિજિટલ ઈન્ડિયાની વાતો કરે છે, ત્યાં બીજી તરફ સરકારી વેબસાઈટમાં મોટા છબરડા સામે આવી રહ્યા છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગની વેબસાઈટ છેલ્લા ૨ વર્ષથી અપડેટ કરવામાં આવી નથી જેના કારણે નાગરિકોને ખોટી માહિતી મળી રહી છે. શહેરી વિકાસ વિભાગની વેબસાઈટમાં ૮ મ્યુન્સિપલ કોર્પોરેશનના હોદ્દેદારો એવા મેયર, ડેપ્યુટી મેયર અને કમિશનર સહિત વગેરેના નામની ખોટી માહિતી મળી રહી છે. સરકાર વેબસાઈટો મેન્ટેન કરવા માટે લાખો રૂપિયા ખર્ચે છે, આમ છતાં રાજ્યના ચાર મોટા શહેરો જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાની ખોટી વિગતો દર્શાવાઈ રહી છે. જણાવી દઈએ કે, રાજ્યનો શહેરી વિકાસ વિભાગ મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ સંભાળે છે તેઓ ખુદ રાજકોટ શહેરમાંથી આવે છે, જ્યારે શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યમંત્રી તરીકે વડોદરા શહેરના યોગેશ પટેલ છે. છેલ્લા બે વર્ષમાં થયેલા રાજ્યના મુખ્ય ૪ શહેરોના ફેરફારો ઉપર નજર નાંખીએ તો, મોટેભાગે તમામના મેયર, ડેપ્યુટી મેયર અને કમિશનરોની બદલી થઈ ગઈ છે, આમ છતાં વેબસાઈટ પર જૂના અધિકારીઓના નામ દર્શાવાયા છે. જેમ કે, અમદાવાદના મેયર તરીકે હજુ પણ ગૌતમ શાહનું નામ છે, જ્યારે હાલમાં અમદાવાદના મેયર બીજલ પટેલ છે જેમની નિમણૂક જૂન-૨૦૧૮માં થઈ હતી. આગામી છ મહિનામાં તેમની ટર્મ પૂરી પણ થઈ જશે. આવી જ રીતે સુરતના મેયર તરીકે અસ્મિતા સિરોયાનું નામ બોલાય છે, જ્યારે હાલના મેયર ડૉ.જગદીશ પટેલ છે. આ સિવાય વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે આકોટાના ધારાસભ્ય છે, આમ છતાં તેમનું નામ અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે જ બોલાય છે. જ્યારે રાજકોટના કમિશનર બંછાનિધિ પાની હાલ સુરત શહેરના કમિશનર હોવા છતાં, તેમનું નામ રાજકોટમાં ચાલે છે. આવી જ રીતે, જામનગરના કમિશનર આરબી બારડ હાલ મહિસાગર જિલ્લા કલેક્ટર હોવા છતાં, તેમનું નામ જામનગર કમિશનર તરીકે બોલાય છે. આવા તો અનેક છબરડા વેબસાઈટ પર જોવા મળી રહ્યા છે. હવે સરકાર આ ભૂલો ક્યારે સુધારશે ? તે જોવું રહ્યું.