(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૧૯
માંગરોળના લીમડા ચોક વિસ્તારમાં સીરાજ રોડ પર આવેલી સરકારી તાલુકા શાળામાં જૂના બાંધકામનો સ્લેબ તોડી રહેલા બે મજૂરો પર અકસ્માતે સ્લેબ તૂટી પડતાં બંને મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવની વિગત એવી છે કે, માંગરોળના લીમડા ચોક વિસ્તારમાં સીરાજ રોડ પર આવેલી સરકારી તાલુકા શાળા તરીકે જાણીતી માંગરોળ લીમડા પે સેન્ટર શાળાનું જૂનું બાંધકામ તોડવા સિદ્દીક અબ્દુલ કોતલ (ઉ.વ.૫૦) અને ફારૂક અબ્દુલ પંજા (ઉ.વ.૨૦) નામના મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે સાંજના સુમારે આકસ્મિક રીતે શાળાનો સ્લેબ તૂટી પડતા બંને મજૂરો સ્લેબ નીચે દબાઈ ગયા હતા. આજુબાજુના લોકો દોડી આવી મજૂરોને સ્લેબ નીચેથી બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. હોસ્પિટલના તબીબે બંને મજૂરોને મૃત જાહેર કર્યા હતા. સ્કૂલના ૩ બાળકોના ગમખ્વાર અકસ્માતના થોડી જ ક્ષણો બાદ માંગરોળમાં આ બીજો બનાવ બનતા શહેરમાં ગમગીની છવાઇ ગઇ હતી. લોકોના ટોળેટોળા સરકારી હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા તેમજ મુસ્લિમ સમાજના પ્રમુખ યુસુફભાઈ પટેલ સહિતના તમામ આગેવાનો અને માંગરોળ પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોના વલોપાતથી કરૂણ દૃશ્યો સર્જાયા હતા.