(એજન્સી) નવી દિલ્હી,જયપુર, તા.૧
લોકડાઉન વચ્ચે દેશના વિભિન્ન ભાગોમાં ફસાયેલા મજૂરો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોની વતન વાપસી માટે કેન્દ્ર સરકારે અવરજવરની મંજૂરી આપી દીધી છે. સરકારે દેશમાં વિભિન્ન સ્થળોએ અટવાયેલા પર પ્રાંતિય મજૂરો, વિદ્યાર્થીઓ અને પર્યટકોને ખાસ ટ્રેનો દ્વારા તેમના વતન પહોંચાડવાની શુક્રવારે મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રાલયના જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે આ સ્પેશિયલ ટ્રેનો રેલવે મંત્રાલય દ્વારા દોડાવવામાં આવશે. નિવેદનમાં વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે પરપ્રાંતિય મજૂરો, વિદ્યાર્થીઓ, પર્યટકો અને યાત્રાળુઓની અવરજવર માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સંકલન સાધવા માટે રેલવે મંત્રાલય નોડલ અધિકારીઓ નિયુક્ત કરશે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, વાણિજ્ય અને રેલવે પ્રધાન પિયુષ ગોયલ, ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરી અને કેબિનેટ સચિવ રાજીવ ગૌબા સાથેની બેઠક પહેલા સરકારે આ પગલું ભર્યું છે.
કેન્દ્ર સરકાર તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે દેશના બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પોતાને ત્યાં ફસાયેલા લોકોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલવાની તૈયારીઓ કરે. દરમિયાન, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત બાદ હવે પંજાબ, તેલંગાણા, કેરળ, કર્ણાટક, બિહાર અને ઝારખંડે પરપ્રાંતિય મજૂરોની ઘર વાપસી માટે વિશેષ ટ્રેનો દોડાવવાની માગ કરી છે. આ રાજ્યોએ એવી રજૂઆત કરી કે લાખો લોકોને બસો દ્વારા તેમના વતન પહોંચાડવાની સમગ્ર પ્રક્રિયામાં મહિનાઓ લાગી જશે. અશોક ગેહલોતે વિશેષ ટ્રેનો દોડાવવાની મંજૂરી મળવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને રેલવે અધિકારીઓ સાથે રૂટ પ્લાન તૈયાર કરવાનો જિલ્લા કલેક્ટરોને નિર્દેશ આપ્યો છે.

કોવિડ-૧૯ : દેશવ્યાપી લોકડાઉન શરૂ થયું ત્યારથી પહેલી વાર ૧,૨૦૦ પરપ્રાંતિય મજૂરોને લઇને યાત્રી ટ્રેન તેલંગાણાથી રવાના

(એજન્સી) હૈદરાબાદ, તા. ૧
દેશવ્યાપી લોકડાઉનમાં, વિવિધ રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને તેમના વતન પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેલંગાણા સરકારની વિનંતી અને કેન્દ્રીય રેલ્વે મંત્રાલયનાં નિર્દેશ મુજબ શુક્રવારે લિંગમપલ્લી (હૈદરાબાદ) થી હટિયા (ઝારખંડ) માટે એક ખાસ ટ્રેન દોડાવવામાં આવી હતી, જેમાં૧૨૦૦ પરપ્રાંતિય કામદારો તેમના ઘરે જવા માટે રવાના થયા હતા. મહત્વનું છે કે, ૨૫ માર્ચે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અમલમાં આવ્યું ત્યારથી પરપ્રાંતિય કામદારો તેમના ઘરે જવા માંગ કરી રહ્યા હતા. ભારતમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા ૩૫ હજારને વટાવી ગઈ છે જે રાજ્યો અને કેન્દ્ર સરકાર માટે ચિંતાનું કારણ બની રહી છે, આ સમય દરમિયાન, સરકારમાં મજૂરોનું સ્થળાંતર પણ એક મોટી સમસ્યા હતી, જે હવે ધીમે ધીમે ઉકેલવામાં આવી રહી છે. કેટલાક રાજ્યોએ તેમના નાગરિકોને પાછા બોલાવવાનું નક્કી કર્યું છે, ત્યારબાદ મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારને વિશેષ ટ્રેનો ચલાવવા વિનંતી કરી હતી.
રાજ્યોની વિનંતીને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે પરપ્રાંતિય મજૂરોને ઘરે લઈ જવા માટે એક વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરી છે. ગુરુવારે તેલંગાણામાં રહેતા ઉત્તર ભારતનાં કામદારોની માંગને સ્વીકારીને, તેઓને હૈદરાબાદનાં લિંગમપલ્લીથી ઝારખંડનાં હટિયા મોકલવામાં આવ્યા છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સનાં ડાયરેક્ટર જનરલ અરૂણ કુમારે જણાવ્યું હતું કે, ટ્રેનનાં ૨૪ કોચમાં આશરે ૧,૨૦૦ પ્રવાસીઓને સ્થળાંતર કરાયા છે. આ ટ્રેન આજે તેલંગાણાનાં લિંગમપલ્લીથી ઝારખંડનાં હટિયા તરફ જવા માટે વહેલી સવારે ૪-૫૦ વાગે રવાના થઇઇ હતી.

બસોમાં લઇ જવામાં ૩ વર્ષ લાગશે : પરપ્રાંતિય મજૂરોની અવરજવર અંગે કેન્દ્રની ગાઇડલાઇન્સની કોંગ્રેસે ટીકા કરી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
દેશવ્યાપી લોકડાઉન-૨ પુરૂં થવાની નજીક છે ત્યારે કોંગ્રેસના નેતા અભિષેક મનુસિંઘવીએ લોકડાઉનને કારણે દેશમાં વિભિન્ન સ્થળોએ ફસાયેલા પરપ્રાંતિય મજૂરોની મોદી સરકારને યાદ આપવી છે. મીડિયાને સંબોધતા અભિષેક સિંઘવીએ જણાવ્યું કે આજે શુક્રવારે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ છે પરંતુ એવું લાગે છે કે મજૂરોના ઉત્કર્ષથી કેન્દ્રે હાથ અદ્ધર કરી લીધા હોવાનું લાગે છે. તેમણે કહ્યું કે પર પ્રાંતિય મજૂરોને તેમના વતન પહોંચાડવા સંબંધિત ગૃહ મંત્રાલય મંજૂરી આપતો પત્ર એક મજાક જેવો છે. તેમણે કહ્યું કે સરકારને ખબર જ નથી કે, પરપ્રાંતિય મજૂરોની સંખ્યા કેટલી છે ? પરપ્રાંતિય મજૂરોની સંખ્યાનું અનુમાન કર્યા વગર સરકારે આ કેવી રીતે નક્કી કરી લીધું કે પરપ્રાંતિય મજૂરો બસોમાં પોતાના વતને જઇ શકે છે. તેમણે એવો પ્રશ્ન પણ કર્યો કે ્‌ શું આ કામગીરીમાં ૩ વર્ષ લાગી જશે ? તેમણે પૂછ્યું કે વિદેશમાં ફસાયેલા લોકોને વિમાન દ્વારા પરત લાવવામાં આવ્યા તો, શું મજૂરો માટે ટ્રેનો દોડાવી શકાય નહીં ? કોંગ્રેસના નેતાએ પરપ્રાંતિય મજૂરોને તેમના વતન જવા દેવાની મંજૂરી આપતા કેન્દ્રના આદેશની ટીકા કરીને જણાવ્યું કે કેન્દ્રનો આ આદેશ મનસ્વી છે.

અટવાયેલા પરપ્રાંતિય મજૂરો, વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ટ્રેનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧
દેશવ્યાપી લોકડાઉનને કારણે વિભિન્ન સ્થળોએ ફસાઇ ગયેલા પરપ્રાંતિય મજૂરો, વિદ્યાર્થીઓ , યાત્રાળુઓ કે પર્યટકોને તેમના વતન પહોંચાડવા માટે કેન્દ્રે શુક્રવારે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. ભારતીય રેલવેએ જણાવ્યું કે ‘શ્રમિક સ્પેશિયલ’ ટ્રેનોમાં માત્ર કોરોના વાયરસના લક્ષણો નહીં ધરાવતા પરપ્રાંતિય કામદારોને તેમના વતન પહોંચાડવામાં આવશે. અત્યાર સુધી આવી છ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે. આ ‘શ્રમિક સ્પેશિયલ’ ટ્રેનોમાં તેલંગાણાના લિંગમપલ્લીથી ઝારખંડના હાતિયા, કેરળના અલુવાથી ઓડિશાના ભુવનેશ્વર, મહારાષ્ટ્રના નાસિકથી ઉત્તર પ્રદેશના લખનૌ, નાસિકથી મધ્યપ્રદેશના ભોપાલ, રાજસ્થાનના જયપુરથી બિહારના પટણા અને રાજસ્થાનના કોટાથી ઝારખંડના હાતિયાનો સમાવેશ થાય છે. જે રાજ્યમાંથી યાત્રીઓને ટ્રેનમાં લઇ જવામાં આવશે, એ રાજ્યે યાત્રીઓ માટે ભોજન અને પીવાનું પાણી પુરૂં પાડવું પડશે. અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટના ટેક્સ્ટ મેસેજિસને ટિકિટ ગણવામાં આવશે.