ગાંધીનગર,તા.ર૩
રાજ્યની વિકાસયાત્રામાં રોડ, શિક્ષણ, વીજળી જેવી માળખાગત સવલતો અત્યંત અનિવાર્ય છે. જેનું નિર્માણ કરીને રાજ્ય સરકાર નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પુરી પાડે છે અને નાગરિકોને કોઇપણ વધારાનો બોજ વહન ન કરવો પડે એ અમારી સરકારની પ્રાથમિકતા છે. એટલે જ નાગરિકોને વીજ વપરાશ માટે ઇલેક્ટ્રિસિટી ડયુટીનુંભારણ ન આવે તે માટે અમારી સરકારે ઇલેક્ટ્રિસિટી ડયુટીમાં ઘટાડો કર્યો છે. એમ ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે.
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં લાખો દુકાનદારો કરિયાણું, કાપડ, રેડીમેઇડ કપડાં, મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલર, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઇલ શોપ્સ, ગેરેજ જેવા અનેક વ્યવસાયમાં જોડાયેલા છે. તેમની દુકાનો સ્ટોર, શોપીંગ સેન્ટરો, મોલમાં આવેલી છે. વધુમાં વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટ્રાવેલ એજન્સીઓ, ટ્રાન્સપોર્ટની ઓફિસો, કોચીંગકલાસ, ફોટો સ્ટુડીયો, બ્યુટી પાર્લર, સલુનના માધ્યમથી સર્વિસ સેકટર કાર્યરત છે. આ તમામ વ્યવસાયોના સ્થળોના વીજ વપરાશ ઉપર અત્યારે ર૫ ટકા વીજકર લાગુ થાય છે. આવા દુકાનદારો/ વેપારીઓ/ કારીગરોને તથા આવા વ્યવસાયની ઓફિસો ધરાવનારને રાહત આપવા માટે ર૫ ટકાના અત્યારના વીજકરમાં ઘટાડો કરી ર૦ ટકા કરવામાં આવશે. જેનો લાભ રાજ્યના ૩૦ લાખ જેટલા દુકાનારો/ વેપારીઓ/ કારીગરોને અને આવી ઓફિસ ધરાવનારાને મળશે.
આજે વિધાનસભા ખાતે ગુજરાત વિદ્યુત શુલ્ક સુધારા વિધેયક રજૂ કરતાં ઊર્જા મંત્રી પટેલે કહ્યું કે, રાજ્ય સરકારે ટેક્ષ ઓન સેલ ઓફ ઇલેક્ટ્રિસિટીને કાયદામાંથી કાઢી નાખવાનો પ્રથમ વખત નિર્ણય કર્યો અને આજ સુધી ડયુટી લીધી નથી. આ સુધારા વિધેયક દ્વારા રાજ્યના નાગરિકો-ખેડૂતોને સહાયરૂપ થવા રૂા. ૩ર૦ કરોડનું ભારણ રાજ્ય સરકાર વહન કરશે અને એનો સીધેસીધો લાભ રાજ્યના અંદાજે ૩૦ લાખથી વધુ નાગરિકોને મળશે.
મંત્રીએ કહ્યું હતું કે, કોલ્ડ સ્ટોરેજ ઉપર હાલમાં ર૦ ટકાના દરે વીજકર લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યના કૃષિ વિકાસમાં અને ખેડૂતોના આર્થિક હિતમાં કોલ્ડ સ્ટોરેજ જેવી સવલતોનું મહત્વ ધ્યાને લેતાં આ બાબતે વધુ રાહત આપવાની જરૂરીયાત જણાતાં આ વીજકરનો દર હાલ ર૦ ટકાથી અડધો કરી ૧૦ ટકા કરવામાં આવ્યો છે. જેના પરિણામે રાજ્યની વેરાકીય આવકમાં વાર્ષિક રૂા. ૩.૬૦ કરોડનો ઘટાડો થવાનો અંદાજ છે, જેનો લાભ રાજ્યમાં અસ્તિત્વ ધરાવતાં અંદાજિત ૧૩૦૦ કોલ્ડ સ્ટોરેજને મળશે. રાજ્યમાં આવેલા મંદિરો, મસ્જીદો,ચર્ચ, ગુરૂદ્વારા, દેરાસર, અગિયારી જેવા વિવિધ ધર્મોના ધાર્મિક સ્થળો કે જયાં પૂજા, પ્રાર્થના કરવામાં આવતાહોય કે નમાઝ પઢવામાં આવતી હોય, તેમજ દેરી, સમાધિ, સ્મશાનગૃહ, દરગાહ, કબ્રસ્તાન જેવા સ્થળોના વીજ વપરાશ પર હાલ ર૫ ટકાના દરે વીજ કર અમલમાં છે.
રાજ્યના સાધુ સંતો દ્વારા ધાર્મિક સ્થળોના વીજકરમાં ઘટાડો કરવાની રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે. આ લોકલાગણીને ધ્યાને રાખી વિવિધ ધર્મોના ધાર્મિક સ્થાનો ઉપરનો હાલનો ર૫ ટકાનો વીજકર ઘટાડીને ગ્રામ્ય વિસ્તારોમાં ૭.૫ ટકા અને શહેરી વિસ્તારોમાં ૧૫ ટકા કરવામાં આવ્યો છે. જેના પરિણામે રાજ્યની વેરાકીય આવકમાં વાર્ષિક રૂા. પ.૧૧ કરોડનો ઘટાડો થવાનો અંદાજ છે, જેનો લાભ રાજ્યના અંદાજે ૧૦,૫૦૦ ધાર્મિક સ્થળોને મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.