અમદાવાદ, તા.રપ
દેશ અને રાજ્યમાં હાલ કોરોનાની મહામારી ચિંતાજનક રીતે વધી રહી છે. સરકારી હોસ્પિટલોમાં અપૂરતી સુરક્ષા અને સલામતી વ્યવસ્થા ગુજરાત મોડેલની પોલ ખોલી રહી છે. આવામાં ખાનગી હોસ્પિટલો કે જેને સરકારે કોરોનાની સારવાર માટે મંજૂરી આપી છે તે દર્દીઓ પાસેથી લાખો રૂપિયાની લૂંટ ચલાવે છે તેમાં સરકારે દરમિયાનગીરી કરવી જોઈએ તેમ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગ કરી છે. આ ઉપરાંત પીએમ કેરના નામે ઉઘરાણા કરવાની જગ્યાએ પ્રજા કેરની ચિંતા કરી પીએમ કેરના નામે, પીએમ ફંડ, ડબ્લ્યુએચઓ તથા લોકો દ્વારા મળેલી આર્થિક મદદ જે કોઈ માધ્યમથી રાજ્ય કે કેન્દ્ર સરકારને મળી હોય તેનો ઉપયોગ કોરોના બીમારીના ઈલાજ માટે લોકોને બચાવવા કરવો જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે સરકારી હોસ્પિટલમાં પીપીઈ કિટ્‌સ, એન ૯પ માસ્ક, તબીબી સ્ટાફ માટે અપૂરતી સુરક્ષા વ્યવસ્થા પ્રતિદિન મોડલની પોલ ખોલી રહી છે જો ડૉક્ટર, નર્સીસ અન્ય કર્મચારીઓને આ પ્રાથમિક સગવડ ના મળે તો દર્દીઓને સારવાર કેવી રીતે આપી શકશે. કોરોનામુક્ત થવા લોકડાઉન એ એકમાત્ર ઈલાજ કે ઉપાય નથી જ ત્યારે લોકડાઉન ખોલતા અગાઉ રાજ્યમાં વધારેમાં વધારે ટેસ્ટીંગ કરી કોરોના પોઝિટિવ દર્દીઓને શોધી કાઢવા એ સૌથી અસરકારક અને પરિણામલક્ષી યોજના હોઈ શકે જે રીતે કોરોના વાયરસ માટે ટેસ્ટીંગ ચાલી રહ્યું છે તે દયાજનક છે. ટેસ્ટીંગની સંખ્યા ઘટાડી પોઝિટિવ કેસોની સંખ્યા ઘટાડવાની અને સ્થિતિ નિયંત્રણમાં હોવાનું બતાવવાની યોજના હોય તેવી શંકા ઉદ્દભવે છે. રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલને કોરોના માટે પરવાનગી આપતા અગાઉ ત્યાં પણ સામાન્ય અને મધ્યમ વર્ગને સારવાર મળી રહે તે માટેની કાળજી લેવી જોઈતી હતી. એમાં આર્થિક કમાણીનો માપદંડ નહીં હોવો જોઈએ. જે સુખીસંપન્ન હોય તેઓ સરકારી હોસ્પિટલમાં જવાના જ નથી પરંતુ આવા સમયે ખાનગી હોસ્પિટલોનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે રીતે બિલ નહીં ચૂકવી શકતા વર્ગના દરેકની સારવારના બિલો સરકારે રીએમ્બર્સ કરવા જોઈએ. આ માટે તમામ જિલ્લા મથકોએ આવેલી ખાનગી હોસ્પિટલોને રાજ્ય સરકારે નિઃશુલ્ક દરે કોરોના માટે ખુલ્લી મૂકવી જોઈએ. બસોથી વધુ બેડ ધરાવતી મેડિકલ કોલેજોને પણ કોરોના સેન્ટર તરીકે રાજ્ય સરકારે હસ્તગત કરી લેવી જોઈએ જેથી સરકારી હોસ્પિટલનું ભારણ ઘટાડી શકાય. કોરોના સિવાયની અસંખ્ય બીમારીઓથી પણ લોકો પીડાય છે. આ દર્દીઓ માટે પણ વિચારવું જોઈએ. હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી સિવાયની ઓપીડી બંધ છે ત્યારે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, પેટ તથા આંતરડાના રોગો કે ઝાડા-ઉલ્ટી જેવા દર્દોથી પરેશાન થતાં અસંખ્ય લોકો સારવારના અભાવે પીડાય છે. મારું આપને સૂચન છે કે, તમામ હોસ્પિટલોમાં આવા દર્દીઓ માટે નિયત સંખ્યામાં બેડ અને તબીબી સેવા ઉપલબ્ધ થાય તેની વ્યવસ્થા રાજ્ય સરકાર સત્વરે કરે, લક્ષણ નહીં ધરાવતા સામાન્ય દર્દી ખાનગી હોસ્પિટલમાં અન્ય કોઈ બીમારીના ઉપચાર માટે જાય અને તે પછી પોઝિટિવ થાય તો તે ખાનગી દવાખાનાને સીલ કરી દેવાનો નિર્ણય પણ તાર્કીક નથી. ખાનગી તબીબો લોકો માટે આ એક ડરથી ઉપલબ્ધ થતાં નથી જેની હાલાકી પણ પ્રજાએ ભોગવવી પડે છે.