ગાંધીનગર, તા.૧૪
રાજ્યભરમાં ખેડૂતોને મગફળીના પૂરતા અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ખાસ અભિયાન હાથ ધર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સક્ષમ નેતૃત્વમાં રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી મગફળી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. વળી નાણાંની ચૂકવણીમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે મગફળી વેચાણના નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આમ રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણયની સાથે પારદર્શક વહીવટી તંત્રનો પરિચય આપ્યો છે. રાજ્ય સરકારે ટેકાના ભાવની યોજના અંતર્ગત ખેડૂતોને મગફળીના પોષણક્ષમ અને પૂરતા ભાવ મળી રહે તે માટે તા.રપ-૧૦-ર૦૧૭થી નાફેડ દ્વારા રાજ્યમાં ટેકાના ભાવથી વિવિધ કેન્દ્રો ખાતે મગફળીની ખરીદી કરવામાં આવી હતી જેમાં ખેડૂતો પાસેથી ૮૦૮૭૦૭૧.૬૮ ક્વિન્ટલ મગફળીને ખરીદી કરવામાં આવી છે. જેનું મૂલ્ય રૂા.૩૬૩૯.૧૮ કરોડ થાય છે. ખેડૂતો પાસેથી ખરીદાયેલી મગફળીના ચૂકવવામાં આવતા નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધી નાફેડ દ્વારા ખેડૂતોને રૂા.ર૮૩૩.૬૪ કરોડ ચૂકવવામાં આવેલા છે. આ ઉપરાંત ખેડૂતોને તેઓએ વેચેલ મગફળીના નાણાં સમયસર ચૂકવાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂા.૪૧૬.૩પ કરોડનું રિવોલ્વીંગ ફંડ પૂરું પાડવામાં આવેલ છે જે ખેડૂતોએ ખરીદ કેન્દ્રો પર મગફળી વેચી છે. તેવા મોટાભાગના ખેડૂતોને તેમના નાણાં ચૂકવવામાં આવેલા છે તેમજ બાકી રહી ગયેલા ખેડૂતો માટે ચૂકવણીની પ્રક્રિયા ચાલુ છે. તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.