(સંવાદદાતા દ્વારા)
સુરત તા.૨૫
હાલની કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં શિક્ષણનો મુદ્દો એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે સરકારે આ બાબતને ગંભીરતાથી લઇ વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે સેતુ બની મધ્યસ્થ માર્ગ કાઢી સમાધાનકારી વલણ અપનાવવું જોઇએ, તેના સ્થાને ખુદ સરકાર શાળા સંચાલકો સાથે જે આરમાર્યું વર્તન દાખવી રહ્યી છે, તે બિલકુલ પણ વ્યાજબી ન હોવાનું સુરત શહેર શાળા સંચાલક મંડળના અગ્રણીઓએ એકી અવાજે જણાવી માંગણી કરી હતી કે અમે ચેરીટી કમિશનરમાં જે દર વર્ષે ફાળો જમા કરાવીએ છે. તેમાંથી સરકાર ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને આર્થિક મદદ પૂરી પાડે. સુરત શહેર શાળા સંચાલક મંડળના અગ્રણીઓએ આજે એક પત્રકાર પરિષદ યોજી પોતાની સાંપ્રત સમયમાં પોતાની સ્થિતિની ગંભીરતાં વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાની મહામારીના કારણે દરેક વ્યક્તિ ગંભીર આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યો છે. પરંતુ શિક્ષણ અને સ્વાસ્થય રાજ્યને મૂળભૂત સેવા આપતાં કેન્દ્રો છે. આવી સંસ્થાઓ માટે સરકારે વેરા, પી.એફ., તથા અન્ય મેન્ટેનન્સ ખર્ચ વગેરેમાં રાહત આપવી જોઇએ જે રાજ્ય સરકારે આપવી નથી. સરકાર ઉદ્યોગો, ખેડૂતો, કામદારો માટે આર્થિક પેકેજની જાહેરાત કરે છે. પરંતુ શિક્ષણ ક્ષેત્ર માટે આમને કોઇ જ આર્થિક પેકેજની જાહેરતાની તસ્દી શુદ્ધા લીધી નથી. માટે ખાનગી શાળાઓ પ્રત્યે પણ સરકાર દ્વારા અનુકંપા દાખવવામાં આવે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મફત શિક્ષણ આપવાની જવાબદારી રાજ્યની છે, ત્યારે જો સરકાર ખાનગી સંચાલકોને મફત શિક્ષણ આપવાનો આગ્રહ રાખતી હોય તો, તેના તમામ ખર્ચની જોગવાઇ પણ સરકાર તરફથી અપેક્ષિત છે. આમ છતાં સુરત શહેર શાળા સંચાલક મંડળની ૨૨૫ શાળાઓ દ્વારા પોતાના ૨.૨૫ લાખ વિદ્યાર્થીઓને સતત ઓન-લાઇન ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવી જ રહ્યુ છે. આમ છતાં રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળા સંચાલકોની યેનકેન રીતે હેરનાગતિ કરવામાં આવી રહ્યી છે. જે બિલકુલ યોગ્ય અને વ્યાજબી નથી. હાલની વિકટ સ્થિતિનો યોગ્ય નિવેડો લાવવા માટે સરકાર શિક્ષણવિદો, વાલી મંડળના પ્રતિનિધિઓ તથા શાળઆ સંચાલક મંડળના પ્રતિનિધિઓની એક કમિટી વાલીઓ અને શાળાઓના પ્રશ્નોનો યોગ્ય નિવેડો લાવે તે બાબત હિતાવહ હોવાનું સુરત શહેર શાળા સંચાલક મંડળના અગ્રણીઓએ એકી અવાજે જણાવ્યું હતું.આ તબક્કે મંડળના અગ્રણીઓ પૈકી આર.જે.શાહ, આશિષ વકીલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.