માઈનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી ગુજરાત દ્વારા જસ્ટીસ રાજેન્દ્ર સચ્ચરની યાદમાં એક શ્રદ્ધાંજલિ સભા અમદાવાદના જુહાપુરા સ્થિત ગાંંધી હોલમાં યોજાઈ હતી. જેમાં જસ્ટીસ સચ્ચરને યાદ કરીને તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. જસ્ટીસ સચ્ચરે મુસ્લિમ સમાજની પરિસ્થિતિ અંગે આપેલા સચ્ચર કમિટીના રિપોર્ટમાં તેમણે મુસ્લિમો પોતાનો હકક માંગવામાં દલિતો કરતા પણ ઘણા પાછળ છે તે જણાવ્યું હતું, ત્યારે સચ્ચર સમિતિના રિપોર્ટનો અમલ કરાવવા મુસ્લિમોએ સરકાર ઉપર દબાણ લાવવું જોઈએ તેવુ આહ્‌વાન શ્રદ્ધાંજલિ સભામાં કરવામાં આવ્યું હતું. ત્યારે સરકાર ઉપર દબાણ લાવી સચ્ચર કમિટીની ભલામણોનો અમલ થશે તો તે જસ્ટીસ સચ્ચરને સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. ત્યારે સચ્ચર કમિટીના રિપોર્ટનો અમલ કરાવવા લઘુમતી સમાજે આગળ આવવું પડશે. માયનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી ગુજરાત સચ્ચર કમિટીના રિપોર્ટનો અમલ કરાવવા દેશભરમાં આંદોલન ચલાવશે. જસ્ટીસ રાજેન્દ્ર સચ્ચરને શ્રદ્ધાંજલિ આપવાની સભામાં એમસીસીના કન્વીનર મુજાહિદ નફીસ, પીયુસીએલના ગૌતમ ઠાકર, ટ્રેડ યુનિયન લીડર જયંતી પંચાલ, કોર્પોરેટર બદરુદ્દીન શેખ, ઈકબાલ શેખ, હાજી અસરારબેગ મિરઝા તથા રિટાયર્ડ જજ એન.આર. પઠાણ, નીતા મહાદેવ, મુદિતા વિદ્રોહી, વકાર કાજી, જમીલાબાનુ સહિતના અગ્રણીઓએ હાજર રહી જસ્ટીસ સચ્ચરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.