પૂર્વ મુખ્યમંત્રી વાઘેલાની ખેડૂતોના સમર્થનમાં ચીમકી

• ભારત સરકારે નક્કી કરવાનું છે કે, ખેડૂતોને ખતમ કરવા છે કે, કાયદાને

• જ્યારે ખેડૂતોની અંદરનો જ્વાળામુખી ફાટશે, ત્યારે સરકાર ભષ્મ થઇ જશે

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૦
ઉત્તર ભારત સહિત દેશના ખેડૂતો કેન્દ્ર સરકારે મંજૂર કરેલા કૃષિ કાયદાને લઇને છેલ્લા પંદર દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના ખેડૂતોનું પણ તેમને સમર્થન મળી રહ્યું છે. હવે આ આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા છે. તેમણે સરકારને ચીમકી ઉચ્ચારી છે કે, સરકાર આ બાબતે ૨૫મી ડિસેમ્બર સુધીમાં કોઈ નિર્ણય નહીં કરે તો દિલ્હીના રાજઘાટ પર અનશન કરશે. પૂર્વ મુખ્યમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, આ કાયદો હશે તો ખેડૂતો મરશે, ખેડૂતોને જીવતા રાખવા હોય તો આ કાયદાને મારવો પડશે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભારત સરકારને નક્કી કરવાનું છે કે, ખેડૂતોને ખતમ કરવા છે કે, કાયદાને ખતમ કરવો છે. દેશમાં કરોડો ખેડૂત છે. આ હિસાબે ખેડૂતોના પરિવારની ચિંતા કરીને આ કાયદાને રદ્દ કરવો જોઈએ. એવી મારી માગણી છે. આમાં કોઈપણ વધારે નુકસાન નહીં થાય. ખેડૂતોની અંદરનો જ્વાળામુખી બહાર આવશે, ત્યારે સરકાર ભષ્મ થઇ જશે. ૨૫ ડિસેમ્બર આવી રહી છે. આ તારીખ અટલ બિહારી વાજપેયીની જન્મતારીખ છે. આ દિવસે વાજપેયીની આત્માને તમે ખુશ કરજો અને ખેડૂતોની વાત સાંભળજો. ૨૫ ડિસેમ્બર સુધીમાં કંપનીનો કાળો કાયદો રદ્દ થાય અને ખેડૂતોના હકમાં સરકારનો નિર્ણય થાય તો આવનારા દિવસોમાં આ જ ખેડૂત ભાજપના કામમાં આવશે. ખેડૂત રાજનીતિ નથી કરતા, ખેડૂતએ ખેડૂત છે. લોકોએ સાચી વાત જાણી છે એટલે, તેઓ ખેડૂતોનું સમર્થન કરી રહ્યા છે. મેં પણ સાચી વાત જાણી છે એટલે અમે ખેડૂતોનું સમર્થન કરી રહ્યા છીએ. ખેડૂત ક્યારેય ખોટો નથી હોતો. એટલે ૨૫ ડિસેમ્બર અટલજીની જન્મતારીખ છે, તેની પહેલાં સરકાર કોઈ રસ્તો કરે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ રસ્તો નહીં નીકળે તો ૨૫ ડિસેમ્બર પછી જરૂર પડશે તો દિલ્હીના રાજઘાટ જઈને અનિશ્ચિત મુદ્દત માટે ઉપવાસ કરવો પડશે તો ઉપવાસ પણ કરીશું. આ મજાક નથી. ભારત સરકાર સમજે તો આવી ચેલેન્જ ન લેવી જોઈએ અને ખેડૂતોની સામે સહાનુભૂતિ રાખીને તાત્કાલિક નિર્ણય કરે કે, આ કાયદો રદ્દ કરવામાં આવે છે. આમાં કોઈ શરમની વાત નથી. તમે લોકોના માલિક છો. હિટલર પણ ચાલ્યો ગયો, રાવણ પણ ચાલ્યો ગયો, હિરણ્યકશિપુ પણ ચાલ્યો ગયો અને તમે પણ ચાલ્યા જશો. એટલે એવી વસ્તુ ન મૂકીને જતા કે, એક કાળો ડાઘ આપણા હૃદયમાં રહે કે, આ ખોટી સરકાર હતી અને કામ વગરની સરકાર હતી.