અમદાવાદ, તા.૩
રાજ્યમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે પ્રજાની આરોગ્યની રક્ષા માટે સતત કાર્યરત ખાનગી ડોક્ટરોની હેલ્થ સેફ્ટી માટે સરકાર રપ હજાર એન-૯પ માસ્ક આપશે. ઉપરાંત અનાજ મેળવવામાં જો કોઈ ગરીબ પરિવાર બાકી રહી જશે તો અનાજ વિતરણની પ્રક્રિયા વધુ એક-બે દિવસ લંબાવાશે, એમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, કોરોના વાયરસના દર્દીઓની સારવારમાં જોડાયેલા સરકારી તબીબો, આરોગ્ય રક્ષાકર્મીઓ, પેરામેડિકલ અને નર્સ વગેરેની સેવાઓ અતિ આવશ્યક છે. આવા સેવા કર્મીઓને પોતાના આરોગ્યનું કોઇ જોખમ ઊભું ન થાય તે માટે મુખ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આવા સરકારી તબીબી, મેડિકલ સ્ટાફ વગેરેની આરોગ્ય સુરક્ષાના પૂરતો પ્રબંધ કરાવેલો છે. મુખ્યમંત્રીએ હવે, રાજ્યના ખાનગી ક્ષેત્રના તબીબોની સ્વાસ્થ્ય સુખાકારીને પ્રાધાન્ય આપતાં એવો નિર્ણય કર્યો છે કે, પ્રવર્તમાન સ્થિતિમાં પોતાના દવાખાના-ક્લિનીક-હોસ્પિટલોમાં આવતા પેશન્ટસ-દર્દીઓની સારવાર કરતા ખાનગી તબીબોને પણ એન-૯૫ માસ્ક આપવામાં આવશે. સચિવ અશ્વિનીકુમારે આ મામલે કહ્યું કે, મુખ્યમંત્રીના દિશા-નિર્દેશો અનુસાર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત પ્રેસિડેન્ટ ડૉ.મોના દેસાઇને આ હેતુસર રપ હજાર એન-૯૫ માસ્ક રાજ્ય સરકારે વિનામૂલ્યે પૂરા પાડ્યા છે.
મુખ્યમંત્રીના સચિવે કહ્યું કે, શુક્રવારની સ્થિતિએ રાજ્યમાં ૪૭.૪૪ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. ૧ લાખ ૧ હજાર ૧૮ર ક્વિન્ટલ કુલ શાકભાજી જેમાં બટાટા, ડુંગળી, ટામેટા અને અન્ય લીલા શાકભાજીનો સમાવેશ થાય છે તેનો આવરો થયો છે. ફળફળાદિની આવક ૧પ,૪૪૦ ક્વિન્ટલ રહી છે.
રાજ્યની તમામ ૭ર શાકમાર્કેટ કાર્યરત છે અને ત્યાંથી આવા શાકભાજી-ફળફળાદિનું રીટેઇલ વેચાણ થાય છે. રાજ્યમાં આવશ્યક સેવાઓ અને ચીજવસ્તુઓ લોકોને સરળતાએ મળી રહે તે માટે જરૂરી વ્યક્તિઓ, નાના વેપારીઓ, આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ વગેરેને કુલ ર લાખ રપ હજાર પાસ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં હાલની સ્થિતિમાં નાગરિકો-જરૂરતમંદ વ્યક્તિઓને મદદની જરૂરિયાત હોય તો સ્ટેટ કંટ્રોલ હેલ્પલાઇન ૧૦૭૦ અને જિલ્લા સ્તરે ૧૦૭૭ કાર્યરત કરવામાં આવેલી છે.
આ હેલ્પલાઇનમાં તબીબી સેવાઓ, દૂધ વગેરેની સેવાઓ, નાગરિક સુવિધા સેવાઓ વગેરે માટે લોકો-નાગરિકોના કોલ્સ મળતા રહે છે. અત્યાર સુધીમાં સ્ટેટ હેલ્પલાઇનને ૩રપ૬ અને જિલ્લા હેલ્પલાઇનને ૧૪,૪૧૭ કોલ્સ મળ્યા છે અને તે અંગે સંબંધિત વિભાગોએ કાળજી પણ લીધી છે તેમ અશ્વિનીકુમારે જણાવ્યું હતું. મુખ્યમંત્રીના સચિવે ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી રાજ્યના ૮ લાખ અંત્યોદય અને પ૮ લાખ પીએચએચ કાર્ડધારકો મળી ૬૬ લાખ પરિવારોને એપ્રિલ માસનું અનાજ વિતરણ વિનામૂલ્યે થઇ રહ્યું છે તેની વિગતો પણ આપી હતી. તેમણે જણાવ્યું કે, તા.૧ એપ્રિલથી આ અનાજ વિતરણ શરૂ થયું ત્યારથી શુક્રવાર તા.૩ એપ્રિલે બપોરે બે વાગ્યા સુધીમાં કુલ મળીને ૩૧ લાખ જેટલા કાર્ડધારકોએ લાભ મેળવ્યો છે અને તા.૩ એપ્રિલ રાત સુધીમાં આ આંકડો ૪૦ લાખ થવાની શક્યતા છે.
તેમણે એમ પણ કહ્યું કે, આવા ૬૬ લાખ લાભાર્થી પરિવારોમાંથી જો કોઇ પરિવાર અનાજ મેળવવાથી બાકી રહી જશે તો અનાજ વિતરણની આ પ્રક્રિયા વધુ એક-બે દિવસ લંબાવીને પણ તમામ ૬૬ લાખ કાર્ડધારકોને અનાજ પહોંચાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.